શહેરમાં નાની વયના તરુણોમાં આપઘાતની ઘટના વધતી જોવા મળી રહી છે. ત્યારે એક દિવસમાં જ બે સ્થળોએ બે તરુણીઓ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની બે ઘટના સામે આવી છે. જેમાં સિયાણી નગરમાં અને ઘંટેશ્વર પાર્કમાં સગીરાઓએ જીવન ટૂંકાવ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં સિયાણી નગર શેરી-1માં રહેતી ખુશી રીઝવાનભાઈ આરબ નામની 14 વર્ષીય સગીરાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ખુશીના પિતા રિઝવાનભાઈ પોતાની પુત્રી માટે ગુંદાવાડીમાં કપડાં લેવા માટે ગયા હતા. તે દરમિયાન ખુશીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક ખુશીએ એક મહિના પહેલા પણ પોતાના હાથમાં છરી વડે છરકા કર્યા હતા.
સિયાણીનગર અને ઘંટશ્વર પાર્કમાં તરૂણીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
જે ઘણા સમયથી ગુમસુમ રહેતી હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ ખુશીની તબિયત ઠીક ન લાગતા વાલીઓએ દોરાધાગા કર્યાં હોવાનું પણ જણાવ્યું હતું.
જ્યારે અન્ય બનાવમાં ઘંટેશ્વર પાર્કમાં રહેતી અને ધોરણ -7માં અભ્યાસ કરતી રિદ્ધિ ઉપેન્દ્રભાઈ ચૌહાણ નામની 13 વર્ષીય તરુણીએ કોઈ કારણોસર પોતાના ઘરે બીજા માળે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વસંતબેન અને વિશ્વરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રિદ્ધિ છ ભાઈ બહેનમાં વચેટ હતી. પિતા ઉપેન્દ્રભાઈ કામે ગયા અને માટે પણ પારકા કામ કરવા ગયા તે દરમિયાન રિદ્ધિએ આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તરૂણ અવસ્થામાં વધતા-જતા આપઘાતના બનાવના પગલે વાલીઓ અને સમાજમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.