લોકસાહિત્યને અમૂલ્ય ભેટ આપનાર
28 ઓગસ્ટ એટલે ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક અને અનુવાદક એવા ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી .
સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા,સોરઠી સંતવાણી,દાદાજીની વાતો, કંકાવટી,રઢિયાળી રાત અને હાલરડાં જેવી અનેક રચનાઓ તેની સુપ્રસિદ્ધ છે .
તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણિક હતાં.
બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ ‘સૌરાષ્ટ્ર’માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું.
મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમણે રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું માણસાઈના દીવામાં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.
૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.