વિધાર્થીઓ આગામી 31મી સુધી ચોઈસ ફિલિંગ કરી શકશે: 1લી અને 2 સપ્ટેમ્બરે કોલેજોની ફાળવણી કરવામાં આવશે
ધો.12 પછી પેરા મેડિકલ એટલે કે નર્સિંગ, ફિઝીયોથેરાપી સહિતના કુલ 9 કોર્સની 41701 બેઠકો પર પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થાય બાદ હવે લાંબા સમય પછી પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 31મીએ બપોરે 3 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. પેરા મેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ, ફિઝીયોથેરાપી, જીએનએમ, એએનએમ, ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશનલ થેરાપી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, ઓડીયોલોજી અને નેચરોપથી સહિતના કોર્સ માટે સળંગ બે વખત રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. આ તમામ કોર્સની મળીને કુલ 41701 બેઠકો માટે હાલમાં 33558 વિદ્યાર્થીઓનો મેરિટયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ધો.12નું પરિણામ મે માસમાં આવ્યા બાદ આ તમામ કોર્સમાં રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. આમ, સળંગ ત્રણ માસ સુધી રાહ જોયા પછી હવે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ સમિતિએ કરેલી જાહેરાત પ્રમાણે 25મીથી લઇને 31મીએ બપોરે 3 વાગ્યા સુધી પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઇન ચોઇસ ફિલિંગ કરી શકાશે.મેરિટના આધારે આગામી 1લી અને 2 સપ્ટેમ્બરના રોજ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવશે. હાલમાં જે કોલેજોને કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તે કોલેજોની બેઠકો વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ માટે દર્શાવવામાં આવશે.પેરા મેડિકલના કુલ 9 કોર્સમાં 41701 બેઠકો ઉપલબ્ધ છે.
તમામ કોર્સની સરકારી કોલેજોની કુલ 1466 બેઠકોને મંજૂરી મળી છે જેની સામે 994 બેઠકોની મંજૂરી બાકી છે. આજ કુલ નવ કોર્સની સ્વનિર્ભર 489 કોલેજોની 23155 બેઠકો પૈકી 16039 બેઠકોને મંજૂરી આપી દેવામાં આવી છે.આમ, હાલની સ્થિતિમાં સ્વનિર્ભર અને સરકારી મળીને 24721 બેઠકોને મંજૂરી મળતા તે બેઠકો વિદ્યાર્થીઓને ચોઇસ માટે દર્શાવવામાં આવશે. આમ, હજુ 17 હજારથી વધારે બેઠકોની મંજૂરી બાકી છે.