ટોલનાકાઓ મારામારી થવાના બનાવો રોજિંદા થયા હોય તેમ ફરી એક બનાવ સામે આવ્યો છે.જેમાં ત્રણ દિવસ પહેલા વેરાવળ નજીકના ડારી ટોલનાકાએ ટોલટેકસ ભરવા બાબતે માથાકુટ થતા મારામારી થયા બાદ ગઈકાલે ધોરાજી ઉપલેટા વચ્ચે ટોલટેક્સ વસુલતા ડુમિયાણી ટોલનાકાએ ધોરાજી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના દિયરે ટોલટેક્સ બાબતે ઈલેક્ટિશ્યન સાથે શાબ્દિક ઘર્ષણ સાથે ઝઘડો કરી બાદમાં કારમાં બેસી આ કારને ઈલેક્ટ્રિશ્યન પર ચડાવી દઈ ઈજાઓ કરતા આ કર્મચારીને પ્રથમ ઉપલેટા અને બાદમાં જુનાગઢની હોસ્પિટલમાં દાખલ કરેલો છે. જ્યારે ઘટના અંગે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટ્રકના ટોલ ટેકસ લેવા મુદે કર્મચારી સાથે માથાકુટ કરી કાર ચડાવી દેતા નોંધાતો ગુનો
બનાવની વધુ વિગત મુજબ ઉપલેટાના જવાહર રોડ નજીક રહેતા અનીલભાઈ મેણસીભાઈ ચંદ્રવાડિયા ડુમિયાણી ટોલનાકાના ઈલેક્ટ્રિક રૂમની બાજુમાં ડીવાયડર પાસે ઉભા હતા એ વખતે ઉપલેટાના કલ્પેશભાઈ ચાવડા કાર લઈને આવ્યા હતા તેણે ગાડીમાંથી નીચે ઉતરી ક્યા ગયો તમારો મેનેજર મારા ટ્રકના પૈસા કેમ કાપે છે ? આથી અનીલે કહ્યુ હતું કે ફાસ્ટટ્રેગથી આ પૈસા કપાય છે. એમાં અમારૂ કંઈ પણ ન ચાલે. આથી કલ્પેશ ગાળો ભાંડવા લાગ્યો હતો.અને ધુધવાઈને ગાડીમાં બેસી ફિલ્મી સ્ટાઈલથી જોરથી કાર દોડાવી અનિલ પર ચડાવી દઈ ઈજાગ્રસ્ત કરી દીધો હતો.
આ વખતે બાજુમાં દિવ્યેશ સોનારા ઉભા હતા તે હટી જતાં તે બચી ગયા હતા આ વખતે કલ્પેશે ધાકધમકી આપીને કહ્યું હતુ કે હવે મારા ટ્રકના પૈસા વસૂલશો તો સારાવાટ નહી રહે.એમ કહીને નાસી ગયો હતો. જે બધુ કેમેરામાં કેદ થઈ ગયું હતુ. અનિલને ઈજાઓ થતાં ટોલનાકાની એમ્બ્યુલન્સમાં ચીરાગભાઈ વાઘ અનિલને લઈને સારવાર માટે ઉપલેટા હોસ્પિટલે ખસેડયો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ જુનાગઢ રીફર કરતા તેને ત્યાં લઈ જવામાં આવ્યો હતો.ત્યાં એને દાખલ કરી સારવાર ચાલુ કરતા દાઢીના ભાગે બે અને હોઠમાં બે ટાંકા આવ્યા હતા.
આ બનાવ અંગે ઉપલેટા પોલીસે કલ્પેશ ચાવડા સામે સાપરાધ મનુષ્યવધ કરવાના પ્રયાસની કલમ અને અન્ય બે કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.