રાજકોટમાં એક માસમાં છઠ્ઠી હત્યા
કાવતરું રચી હત્યાને અંજામ આપનાર છ શખ્સો પોલીસ સંકજામાં: પરિવારમાં માતમ
બનેવી કાળો હોવાથી ન ગમતા સગાઈ ફોક કરવાના પ્રશ્ને થયેલા ઝઘડાનો કરુણ અંજામ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ બેફામ વધતા જતા ગુનાઓના પગલે જાણે ગુનેગારોને ખાખીનો ખોફ જ ના રહ્યો હોય તેમ હત્યા સહિતના ગુનાઓ વધુ રહ્યા છે. છેલ્લા એક માસની અંદર રાજકોટમાં છ હત્યા થઈ છે. શનિવારની સમી સાંજે જામનગર રોડ પર નજીવા પ્રશ્ને યુવાનની લોથ ઢળી હતી. જ્યારે ગઇ કાલે સાંજે પણ ન્યુ સાગર સોસાયટીમાં બહેનની સગાઈ તોડવા ગયેલા ભાઈનું ભાવી બનેવી સહિત છ શખ્સોએ ઢીમ ઢાળી દીધું હતું. જેના પગલે ભક્તિનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જંગલેશ્વર શેરી -૧૫માં રહેતો અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો મોહસીન અબ્દુલ આદમાણી નામના ૩૧ વર્ષીય યુવાનની ન્યુ સાગર સોસાયટીમાં રહેતા તેના ભાવી બનેવી નૌશાદ ઉર્ફે કાળુ જાહિદ જોબન, હાજી સુમાર દોઢિયા, મહમદ હાજી દોઢિયા, એઝાઝ જાહિદ જોબન, મકબૂલ સુલેમાન પતાણી અને પરાગ રમેશ કારેલિયા નામના છ શખ્સોએ હત્યા કરી હોવાની ઘટના ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઇ છે. જેના પગલે ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા, નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મોહસીનની બહેન હીનાબેનની ન્યુ સાગર સોસાયટીમાં રહેતા નૌશાદ સાથે સગાઇ થઇ હતી. પરંતુ નૌશાદ કાળો હોવાથી હીનાબેનના ભાઈ મોહસીનને ગમતો ન હોવાથી સગાઈ તોડવાની વાતો ચાલતી હતી. તે દરમિયાન ૧૫ દિવસ પહેલા પણ મોહસીન અને નૌસદ વચ્ચે માથાકૂટ થઈ હતી પરંતુ વડીલોની સમજાવટ બાદ સમાધાન થયું હતું.
પરંતુ ગઈકાલે મોહસીનએ ફરી નૌશાદને કોલ કરી સગાઈ તોડવાની વાત કરતા માથાકૂટ થઈ હતી અને સાંજે ભેગા થઈને વાત પતાવવાનું નક્કી કર્યું હતું. જેથી મોહસીન અને તેની ભાઈ અયાન સાથે ભાવી બનેવીને મળવા ગયો હતો. પરંતુ ત્યાં પહેલેથી જ કાવતરું રચીને ઉભેલા નૌશાદ સહિતના શખ્સોએ મોહસીન પર ધોકા અને પાઇપ જેવા હથિયાર વડે તૂટી પડ્યા હતા. જેથી મોહસીનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં યુવાને દમ તોડતા પરિવારમાં માતમ છવાયો છે. ત્યારે બીજી તરફ પોલીસે નૌશાદ સહિત છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને સંકજામાં લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.
જમાવડો હોટલ પાસે નજીવી બાબતે ત્રણ શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
પડધરી તાલુકાના ખંઢેરીમાં રહી જમીન મકાનનું કામ કરતા પ્રકાશભાઈ કાનાભાઈ સોનારા નામના ૪૪ વર્ષીય યુવાન પર કારમાં આવેલા રામદેવ લક્ષ્મણ ડાંગર સહિતના ૩ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતો. આ અંગે મૃતકનાં ભાઈ વિજયભાઈ સોનારાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં મૃતક અને આરોપીઓ વચ્ચે મંદિરમાં દર્શન કરવા મુદ્દે ઝઘડો થયો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે રામદેવ લક્ષ્મણ ડાંગર, મહીપત લક્ષ્મણ ડાંગર અને સતીષ મેરામ બાલાસરા વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. વિજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે મારા મોટાભાઇ પ્રકાશભાઇને અમારા ગામમાં રહેતા રામદેવ ડાંગર આહિર સાથે બપોરના ત્રણેક વાગ્યે અમારા ગામમાં આવેલા શંકર ભગવાનના મંદિરે પૂજા કરવા બાબતે ઝઘડો થયો હતો અને ઝઘડો થયા બાદ હું ત્યાં જતાં પ્રકાશભાઇ ત્યાંથી જતા રહ્યા હતા અને રામદેવ ડાંગરે મને કહેલું કે તારો ભાઇ અત્યારે મારી સાથે ઝઘડો કરી જતો રહ્યો છે. તેને સમજાવ જે કે મારી સાથે ખોટા ઝઘડા ન કરે અને હવે તારા ભાઇ પ્રકાશને તું માર કે તેને હુ મારું ? તેવો સવાલ કર્યો હતો.
ત્યારબાદ ગઈકાલે સાંજનાં આશરે આઠેક વાગ્યાના આસપાસ હું મારા ઘરે હતો, ત્યારે મારા ભત્રીજા દર્શન પ્રકાશભાઇ સોનારાએ રૂબરૂ ઘરે આવી મને વાત કરી કે હમણાં થોડીવાર પહેલા મારા પિતા પ્રકાશભાઇએ મને કહ્યું હતું કે, અત્યારે રામદેવ ડાંગરનો ફોન આવ્યો છે અને મને કહ્યું છે કે હમણાં તારે, મારે અને મારા ભાઇ મહિપત ડાંગર અને સતીષ મેરામભ બાલાસરા (ઘંટેશ્વર વાળા) એમ ચારેયને સમાધાન કરવા માટે ભેગા થવું છે. તમારે જામનગર હાઇ-વે રોડ પર આવેલી જમાવડો હોટલ નજીક આવવાનું છે અમે ત્યાં ઉભા છીએ. ત્યાર બાદ પ્રકાશભાઈ ત્યાં પહોંચતા અગાઉથી જ કાવતરું ઘડીને ઉભેલા રામદેવ, મહિપટ અને સતીષ એમ ત્રણેય શખ્સો હથિયારો વડે મોતને ઘાટ ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથધરી છે.