લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપે 400 થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક સેટ કર્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સતત ત્રીજા વખત રાજયની લોકસભાની તમામ બેઠકો માત્ર જીતવાનો જ નહી પરંતુ પાંચ લાખ મતોની લીડ સાથે જીતવાનો ટારગેટ રાખ્યો છે. ગઇકાલથી રાજયમાં મતદાતા ચેતના અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોને 100 ટકા મતદાતાઓના નામની નોંધણી મતદાન યાદીમાં અચુક પણે થાય તેવી રીતે કામ કરવા તાકીદ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના માર્ગદર્શનથી દેશભરમાં મતદાતા ચેતના અભિયાનનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ તકે સી.આર.પાટીલએ જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ કેન્દ્ર તરફથી આવેલો કોઇ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે હમેંશા અગ્રેસર હોય છે જેમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમને પણ સફળ બનનાવવાનો છે. આ અભિયાન માં 100 ટકા નવા મતદારોના નામની નોંધણી થાય તેવો પ્રયાસ કાર્યકરો કરે. સુરતમાં નવા મતદારોની નોંધણી થાય અને તેમના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે શહેરના દરેક વોર્ડમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાર યાદીમાં કોઇનું નામ કમી ન થાય કે કોઇ પણ મતદારનું યાદીમાં નામ છે કે નહી તે ચકાસણી કરાવી લેવા આહવાહન કર્યુ છે. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 400 થી પણ વધુ બેઠકો પ્રાપ્ત કરે તે માટે પ્રયત્ન કરવાનો છે. આ કાર્યક્રમમાં પ્રમુખ નિરંજનભાઇ ઝાંઝમેરા, શહેર મહામંત્રી કિશોર બિંદલ, શહેરમંત્રીઓ પ્રદિપસિંહ રાજપુત, ભિખુભાઇ પટેલ, વોર્ડ નંબર 30ના કોર્પોરેટરઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.