ચંદ્રયાન-3: નવસારીની એવોર્ડ વિનર નેઇલ આર્ટિસ્ટ ખુશ્બુબેન ગોડેંચાએ ઝીરો નંબરના નેઇલ્સ ઉપર ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ કંડારી છે. પોતાની કળા દ્વારા તેણીએ ISROના વૈજ્ઞાનિકોની મહેનતને બિરદાવવાનો પ્રયાસ કર્યો છે, આ કૃતિ બનાવતા 2 કલાકનો સમય લાગ્યો હતો.
ક્રિષ્ના સાલપૂરે નવસારી: મહિલાઓમાં આજકાલ નેઇલ આર્ટનો ક્રેઝ વધ્યો છે. નેઇલ આર્ટ નખ ઉપર કરાતી મનમોહક કળાકૃતિ છે. નખને આકર્ષક બનાવવા માટે મહિલાઓ નેઇલ એક્ટેન્શન અને નેઇલ પેઇન્ટ કરાવતી હોય છે.
તાજેતરમાં ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા અનેક કલાકારોએ પોતાની કળા દ્વારા આ ઐતહાસિક ક્ષણને બિરદાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે નેલ આર્ટિસ્ટ ખુશ્બુબેન ગોંડેચા દ્વારા પણ ચંદ્રયાન-3ની સિદ્ધિને બિરદાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નવસારીમાં નેલ આર્ટિસ્ટ ખુશ્બુબેન ગોંડેચા છેલ્લા 6 વર્ષથી નવસારીમાં નેલ આર્ટનો સ્ટુડિયો ચલાવે છે. તેમના રુદ્રાણી નેલ્સ સ્ટુડિયો ખાતે નેઇલ આર્ટ માટે દૂર દૂરથી મહિલાઓ આવે છે. તેમણે ઝીરો નંબરના નેલ્સ ઉપર ચંદ્રયાન-3ની ઐતહાસિક ક્ષણને કંડારી છે.
ખુશ્બુએ વૈશ્વિક સ્તરના નેલ આર્ટિસ્ટ પાસે ઓનલાઇન ટ્રેનિંગ લીધી હતી. હાલ તેઓ આ કળામાં માસ્ટરી ધરાવે છે. તેઓ વિવિધ તહેવારોની થીમ ઉપર નેઇલ આર્ટ બનાવે છે. સુરત ખાતે યોજાયેલી નેલ આર્ટ સ્પર્ધામાં તેમને 2 વખત એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
આ નેઇલ આર્ટ બનાવવા તેમને 2 કલાક જેટલો સમય લાગ્યો છે. જેલી પોલિશ કલર દ્વારા આ નેલ આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે, હાલ લોકો આ નેઇલ આર્ટના ફોટોને સોશિયલ મીડિયામાં ખૂબ પ્રેમ આપી રહ્યા છે.
ખુશ્બુબહેને વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે આ ઐતહાસિક ક્ષણ નજીક હતી અને સમગ્ર ભારતવાસીઓ આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેમને ટેલેન્ટ થકી ISROની ટીમ તેમજ ટીમના તમામ વૈજ્ઞાનિકો અભિનંદન આપવાનો વિચાર આવ્યો હતો. તમામ વૈજ્ઞાનિકોને બિરદાવવા તેઓએ ચંદ્રયાન-3ની ઝીણવટભરી આકૃતિ નેઇલ્સ પર બનાવી છે.