પિતરાઈ ભાઈ-બહેનો સાથે ન્હાવા ગયા અને કાળ ભેટ્યો: પરિવારમાં કલ્પાંત
રાજકોટના આજી ડેમમાં ગઇ કાલે સાંજે ન્હાવા પડેલી બે પિતરાઈ તરૂણીના ડૂબી જવાથી મોત નિપજતાં તેમના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. આ બંને નેપાળી તરૂણી અન્ય બાળકો સાથે આજી ડેમમાં ન્હાવા ગઈ હતી અને કોણ પાણીમાં વધુ સમય રહી શકે તેવી રમત રમતા હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પરના સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં રહેતા અને ત્યાં જ આવેલા કારખાનામાં કામ કરતા નેપાળી પરિવારની હિર ઉર્ફે હીરા દીપકભાઈ પરિહાર (ઉ.વ.૧૨) અને મમતા બહાદુર પરિહાર (ઉ.વ.૧૩) બંને તરૂણી અને બાજુમાં રહેતા ચારેક બાળકો આજે સાંજે આજી ડેમમાં ન્હાવા ગયા હતા.
આજીડેમમાં જયાં રવિવારી બજાર ભરાય છે તેની પાછળના વિસ્તારમાં ન્હાવાની મજા માણતી વખતે બંને તરૂણી ડૂબવા લાગતા તેમની સાથે રહેલા બાળકો ગભરાઈ ગયા હતા.
સ્થળ પર હાજર રાજુભાઈ નામની વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતા બેડીપરા ફાયર બ્રિગેડના તરવૈયાઓ સ્થળ પર દોડી ગયા હતા. તેમણે શોધખોળ શરૂ કરી બંને તરૂણીને બહાર કાઢી હતી. પરંતુ તે પહેલાં જ બંને તરૂણીના મૃત્યુ નિપજ્યા હતા.
આ અંગે જાણ થતા જ આજી ડેમ પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. તાત્કાલિક મૃતક તરૂણીઓના વાલીઓને જાણ કરતા સ્તબ્ધ થઈ ગયા હતા. બંને મૃતક તરૂણીઓ સાથે બે ટેણીયા અને એક બાળકી સાથે ગઈ હતી. જયાં મૃતક બંને તરૂણી ન્હાવા ગઈ હતી ત્યાં ઊંડુ પાણી છે, પરંતુ તેનાથી અજાણ હોવાથી અને તરતા પણ આવડતું નહી હોવાથી ભોગ લેવાયો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ તમામ બાળકો ન્હાતી વેળાએ કોણ વધુ પાણીમાં રહી શકે તેવી શરત લગાવતા હતા. બંને તરુણીઓ વધુ સમય સુધી પાણીમાં રહ્યા બાદ તે નાટક કરતા હોવાનું સાથી બાળકોને લાગ્યું હતું. પરંતુ ત્યાર બાદ બંને પિતરાઈ બહેનો બહાર જ નહિ આવતા દેકારો કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.આ અંગે જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને તરૂણીના મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.