તરૂણ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયાની શંકા સાથે નિષ્ણાતોએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું
રાજકોટ શહેરના છેવાડે આવેલા મોરબી રોડ પર હડાળા ગામ પાસે રહેતા અને અર્પિત સ્કૂલમાં ધોરણ -5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળામાં પગમાં ઇજા થયા બાદ તેની સારવાર કરાવી પરત ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં જ બાળકને શ્વાસ ચડતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. નિષ્ણાતોને બાળકને હાર્ટ એટેક આવ્યો કે કેમ તે અંગે ચોક્કસ તારણ મેળવવા મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હડાળા રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચેતનભાઈ મારુના 10 વર્ષીય પુત્ર પ્રિન્સનું શ્વાસ ચડવાથી મોત નીપજ્યું હોવાનું કુવાડવા પોલીસ મથકમાં નોંધાયું હતું. જે અંગે પોલીસે ઘટનની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પ્રિન્સ મોરબી રોડ પર આવેલી અર્પિત શાળામાં ધોરણ-5માં અભ્યાસ કરતો હતો. જેને સોમવારે પગમાં બેન્ચ વાગ્યા બાદ બીજા દિવસે ગૌરીદડ દવા લેવડાવી હતી. ત્યાર બાદ વધુ દુખાવો થતા પરિવારજનો બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં સારવાર બાદ પ્રિન્સ અને તેના પરિવારજનો પરત ફરતા હતા ત્યારે રસ્તામાં બાળકને શ્વાસ ચડવા લાગ્યો હતો.
જેના કારણે પિતા ચેતનભાઈએ તુરંત રીક્ષા પરત સિવિલ હોસ્પિટલ તરફ વાડી હતી. પરંતુ રસ્તામાં જ બાળકનું પ્રાણ પંખેરું ઉડી જતાં પરિવારમાં ગમગીની છવાઇ છે. પોલીસે ઘટનાની નોંધ કરી હોસ્પિટલના નિષ્ણાતોને બાળકને હાર્ટ એટેક આવ્યો હોવાની શંકાએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.