રાજકોટ પોલીસ કમિશનર સુરત પોલીસ કમિશનર, જૂનાગઢ રેન્જ આઇજીની બોગસ સહિ સાથેનો નકલી નિમણુંક લેટર 28 નોકરી ઇચ્છુકોને ધાબડી છેતરપિંડી કર્યાનો ઘટ્ટસ્ફોટ
રૂ. 4 થી 5 લાખનો વહીવટ કર્યાનું પૂછપરછમાં સ્ફોટક કબુલાત ચોટીલાના સુત્રધાર સહિત 28 શખ્સોથી વધુની ધરપકડ થશે
25 ફેબ્રુઆરીએ ટ્રેનિગ શરૂ થઇ અને તાલિમ માટે 19 ઓગસ્ટે આવતા કૌભાંડ બહાર આવ્યું: ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ
રાજયમાં 2021માં થયેલી એલઆરડીની ભરતીમાં નોકરી ઇચ્છકોને પોલીસ કમિશનર અને રેન્જ આજીની બોગસ સહી કરી બોગસ નિમણુંક પત્ર તૈયાર કરી 28 જેટલા યુવકો સાથે છેતરપિંડી થયાના ચકચારી પ્રકરણ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ પોલીસની ભરતી ના બોગસ નિમણુંક પત્ર ચોટીલામાં થયા થયાનું અને સુત્રધાર પણ ચોટીલાનો હોવાનું તેમજ સુત્રધારે 28 જેટલા નોકરી ઇચ્છુકોને બોગસ નિમણુંક પત્ર ધાબડી રુા.4. થી 5 લાખ ખંખેર્યાનું બહાર આવતા ભરતી માટે વહીવટ કરનાર તમામ યુવકો અને ચોટલા પંથકના સુત્રધારની પોલીસે શોધખોળ હાથધરી છે.
પોલીસની ભરતી પ્રક્રિયામાં ગેરરીતી ન થાય તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખી હોવાથી લેભાગુ તત્વો વહીવટી કરી સેટીંગ કરી શકયા ન હોવાથી બારોબાર આર્થિક વહીવટ થયાની ચાર્ચ થતી હતી તે દરમિયાન જસદણ પંથકના એલઆરડીની ભરતી પ્રક્રિયા પુરી થયા બાદ ટ્રેનિંગ શરુ થયાની છ માસ બાદ બોગસ નિમણુંક પત્ર સાથે હાજર થવા આવતા પોલીસ કમિશનરની ખોટી સહી કરી બોગસ નિમણુંક પત્ર તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેની ચાર સામે ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે પિતા-પુત્ર સહિત ચારની ધરપકડ કરી તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે અને કેટલાને બોગસ નિમણુંક પત્ર આપ્યા તે અંગેની પૂછપરછ હાથધરી છે.
એલઆરડીની ભરતી બાદ તમામની ટ્રેનિંગ શરુ થયાના છ માસ બાદ નિમણુંક પત્ર સાથે હાજર થયેલા શિવરાજપુર ગામના પ્રદિપ ભરત મકવાણાના નિમણુક પત્રમાં જે ક્રમાંક નંબર આપવામાં આવ્યો હતો તે નંબર પર મેહુલ નામનો યુવક 25 ફેબ્રઆરીથી ટ્રેનિંગ લઇ રહ્યો હોવાનું બહાર આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી.જાડેજા સહિતના સ્ટાફે પ્રદિપ મકવાણા સહિત ચારની ધરપકડ કરી તેની પાસેથી રુા.4 લાખ સ્વીકારી વહીવટનું સેટીંગ કરાવનાર ચોટીલાના શખ્સની શોધખોળ હાથધરવામાં આવી છે. લોક રક્ષકની ભરતીમાં શારિરીક પરિક્ષામાં ફેઇલ થયેલા યુવકોનો સંપર્ક કરી ચોટીલાનો શખ્સ 4 થી 5 લાખ ખંખેર્યાનું બહાર આવ્યું છે. 28 જેટલા યુવકોને આપેલા નિમણુંક પત્રમાં રાજકોટ પોલીસ કમિશનર, સુરત પોલીસ કમિશનર, રાજકોટ રેન્જ આઇજી, જૂનાગઢ રેન્જ આઇજીની બોગસ સહી કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
બોગસ નિમણુંકપત્રના આધારે એલઆરડી (પોલીસ કોન્સ્ટેબલ) તરીકે ભરતીનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યું છે. જના આધારે ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.તપાસમાં લોકરક્ષકના બીજા બોગસ નિમણુંકપત્રો બનાવાયાની શંકા સાથે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાય.બી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
લોકરક્ષક ભરતી બોર્ડ 2021 દ્વારા ભરતીપ્રક્રિયા કરવામાં આવી હતી. જેના પગલે ગઈ તા.13 જાન્યુઆરીના રોજ રાજકોટ શહેર પોલીસને 332 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી હતી. ગઈ તા.19ના રોજ બપોરે પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રદીપ ભરત મકવાણા (રહે.શિવરાજપુર, તા.જસદણ) હાજર થયો હતો. તેણે પોતે લોકરક્ષક ભરતી બોર્ડ 2021માં લેવાયેલી પરીક્ષામાં બિનહથિયારી લોકરક્ષક તરીકે પસંદગી પામ્યાનું જણાવી શહેર પોલીસ કમિશનરની સહિવાળો નિમણુંકપત્ર રજૂ કર્યો હતો. જેથી શીટ શાખામાં રેકર્ડની ચકાસણી કરાવાતા જાણવા મળ્યું હતું કે પ્રદીપે જે નંબરનો નિમણુંકપત્ર રજૂ કર્યો છે, તેના આધારે ગઈ તા.25 ફેબ્રુઆરીના રોજ મેહુલ ભરત તરબુડીયાની પસંદગી થઈ છે. હાલમાં મેહુલ પોલીસે હેડક્વાર્ટર ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો છે. જેથી પ્રદીપે રજૂ કરેલોનિમણુંકપત્ર શંકાસ્પદ જણાતા તેની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી.જેમાં તેણે વટાણા વેરી નાખ્યા હતા.
તેણે એવી કબૂલાત આપી હતી કે 2021માં લેવાયેલી લોકરક્ષકની પરીક્ષાનું ફોર્મ તેણે ભર્યું હતું. જેમાં તે શારીરીક ક્ષમતા કસોટીમાં નાપાસ થયો હતો. આ અંગે તેના માસા ભાવેશને જાણ કરતા તેણે કહ્યું કે તેના ભાઈ બાલાને લોકરક્ષક ભરતી બોર્ડમાં સેટીંગ છે. રૂા. 4 લાખમાં તે નોકરી અપાવી દેશે. પરીણામે પ્રદીપે તેના પિતા સાથે આ બાબતે વાતચીત કર્યા બાદ માસા ભાવેશને રૂા.2 લાખ એડવાન્સ પેટે આપ્યા હતા. થોડા દિવસો બાદ માસા ભાવેશ અને તેના ભાઈ બાલાએ પ્રદીપ અને તેના પિતાને લોકરક્ષક તરીકે પસંદ થઈ ગયાનો નિમણુંકપત્ર બતાવી બાકીના રૂા.બે લાખ લઈ લીધા હતા. સાથોસાથ કહ્યું કે ટુંક સમયમાં ઓર્ડર ટપાલથી મળી જશે. તેમ જણાવ્યું હતુ.
ત્યારબાદ ગઈ તા. 25 જુલાઈના રોજ પ્રદીપને ટપાલથી ઓર્ડર મળ્યો હતો. એટલું જ નહીં ગઈ તા.9 ઓગસ્ટના રોજ એક મહિલાએ તેને કોલ કરી કહ્યું કે હું ગાંધીનગર એલઆરડીભવનથી બોલું છું. તમારે તા.19 ઓગસ્ટના રોજ રાજકોટ શહેર પોલીસમાં હાજર થવાનું છે.
જેથી પ્રદીપ ગઈ તા.19 ઓગસ્ટના રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે હાજર થયો હતો અને તેનોનિમણુંકપત્ર બતાવ્યો હતો. પરંતુ આખરે તેનો ભાંડો ફુટી ગયો હતો.ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાયબી જાડેજાએ આજે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા રીઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટર મહમદશકીલ મકવાણાની ફરીયાદના આધારે આરોપી પ્રદીપ, તેના પિતા ભરતભાઈ, તેના માસા ભાવેશ ગોબરભાઈ ચાવડા અને ભાવેશના ભાઈ બાલા (રહે.બન્ને બરવાળા, તા.જસદણ) વિરૂધ્ધ પૂર્વ યોજીત કાવત્રુ રચી, બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ક્રાઈમ બ્રાંચે ચારેયની ધરપકડ કરી ભાવેશ અને તેના ભાઈ બાલાએ બોગસ નિમણુંકપત્ર ક્યાંથી મેળવ્યો તે અંગે ક્રાઈમબ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં બીજા આરોપીઓની પણ સંડોવણી ખુલવાની શક્યતા છે.એટલું જ નહીં બીજા પણ નકલી નિમણુંકપત્રો બનાવાયાની શંકા સાથે વિશેેષ પૂછપરછ માટે ચારેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
વહીવટથી નોકરી મેળવવાનો પ્રયાસ કરનાર 28 યુવકોની ધરપકડ થશે
એલઆરડીની ભરતીમાં શારિરીક પરિક્ષામાં ફેઇલ થયેલા યુવકોએ ચોટીલાના શખ્સનો સંપર્ક કરી વહીવટથી રુા.4 થી 5 લાખના વહીવટથી નિમણુંક પત્ર આપવાની લોભામણી લાલચ દઇ તમામ પાસેથી મોટી રકમ ખંખેરી બોગસ નિમણુંક પત્ર ધાબડી દીધાના ચકચારી કૌભાંડમાં સેટીંગ કરનાર 28 યુવકોના નામની યાદી ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી જતા તમામની ધરપકડ કરવાના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને પી.આઇ. વાય.બી.જાડેજાએ નિર્દેશ આપ્યો છે. બોગસ નિમણુંક પત્રના કૌભાંડમાં ટૂંક સમયમાં જ ધરપકડનો આંક વધશે અને આ કૌભાંડમાં કોઇ પોલીસ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ રેન્જમાં ગૌતમ પરમાર ન હોવા છતાં તેની બોગસ સહી કરી
એલઆરડીની ભરતીમાં 28 જેટલા નોકરી ઇચ્છુકો શારિરીક કસોટીમાં ફેઇલ થયા હોવા છતાં પોલીસ ભરતીમાં નિમણુંક માટે રુા.4 થી 5 લાખનો વહીવટ કર્યોના કૌભાંડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી છાનભીનમાં બોગસ નિમણુંક પત્રકમાં જૂનાગઢ રેન્જમાં ગૌતમ પરમારે કયારેય નોકરી કરી ન હોવા છતાં તેમની બોગસ સહી સાથેના નિમણુંક પત્ર ધાબડી દીધાનું સામે આવ્યું છે. બોગસ નિમણુંક પત્રમાં રાજકોટ અને સુરતના પોલીસ કમિશનર, રાજકોટ રેન્જ, વડોદરા રેન્જ, ભાવનગર અને સુરત રેન્જના આઇજીની બોગસ સહી સાથે નિમણુંક પત્ર બનાવ્યા છે જે સાચા હોય તેવા જ બનાવવામાં આવ્યા છે. બોગસ નિમણુંક પત્ર બનાવવામાં મુખ્ય સુત્રધાર સાથે અન્ય કોણ સંડોવાયું છે. અને કયા સ્થળે બનાવ્યા તે અંગે તપાસ ચાલી રહી છે.