સેવા અને બાંધકામ ક્ષેત્રે તેજીએ અર્થતંત્રમાં પ્રાણ પૂર્યા ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો 5.5% રહેવાનો અંદાજ
ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા તરફ સતત આગેકૂચ કરી રહ્યું છે. તેવામાં દેશના ટોચના 20 અર્થશાસ્ત્રીઓએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વિકાસદર 7.8 ટકા રહ્યો હોવાનું અનુમાન લગાવ્યું છે. આમ આ અનુમાન દેશનું અર્થતંત્ર ટનાટન હોવાનું દર્શાવે છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનું અર્થતંત્ર 7.8%ના દરે આગળ વધે તેવી શક્યતા ટોચના 20 અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે સરકારી મૂડી ખર્ચ અને ખાનગી રોકાણમાં નવા પુનરુત્થાનથી ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિને ટેકો મળ્યો છે. એક તરફ વૈશ્વિક અર્થતંત્રની અસ્થિરતા જોવા મળી રહી છે. તેમ છતાં પણ ભારતનું અર્થતંત્ર સતત આગળ વધી રહ્યું છે.
અર્થશાસ્ત્રીઓના મતે, મજબૂત બાંધકામ પ્રવૃત્તિને ટેકો પૂરો પાડવા સાથે સેવા ક્ષેત્રને પ્રથમ ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિમાં સૌથી નોંધપાત્ર યોગદાન આપનાર તરીકે જોવામાં આવે છે. જેને કારણે જૂન સુધીના મહિનાઓમાં વિકાસ દર 7.8 ટકા રહેવાનું અનુમાન છે.
બીજી તરફ નિષ્ણાતોએ સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન 6.2 ટકાની વૃદ્ધિ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આ સાથે નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 5.5 ટકા રહેવાનું પણ તેઓએ અનુમાન લગાવ્યું છે.