માતા પર થયેલા હુમલામાં છોડાવવા ગયેલી પુત્રી પર પણ હુમલો: બંનેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી પોર્ન સાઈટ છાશવારે હાઈલાઈટમાં રહે છે. હજુ પતિ અને સસરા દ્વારા પરિણીતાને પોર્ન સાઈટ પર અપલોડ કરવા માટે વીડિયો બનાવવા મજબૂર કર્યાની ઘટના હજુ તાજી છે ત્યાં પોર્ન સાઈટના કારણે વધુ એક પરિવારમાં તિખારા ઝર્યા છે. જેમાં જલારામ સોસાયટીમાં મોડી રાત્રીના ’તારા વીડિયો પોર્ન સાઈટ પર છે’ તેવી શંકાએ પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. માતાને છોડાવવા વચ્ચે પડેલી પુત્રીને પણ પિતાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા બંનેને લોહિયાળ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટીમાં રહેતા ગીતાબેન હરેશભાઈ ભૂપતકર (ઉ.વ.45) તેમની પુત્રી અનુશ્રીબેન (ઉ.વ.25) પર તેના જ પતી હરેશે ગત મોડી રાત્રીના સુયા જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરતા માતા-પુત્રી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પતિ હરેશ સામે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગીતાબેન હાઉસ વાઈફ છે અને તેમની પુત્રી અનુશ્રી પ્રાઇવેટ નોકરી સાથે ડાન્સ ટીચર પણ છે. આઠ – દસ દિવસ પહેલા હરેશ દ્વારા પત્ની ગીતાબેનને તારા વીડિયો પોર્ન સાઈટ પર છે તેમ કહી માથાકૂટ કરી હતી. જે તે સમયે ગીતાબેન દ્વારા મહિલા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.
વધુ મળતી માહિતી મુજબ હરેશના પુત્ર અને પુત્રીએ તેને નવો મોબાઈલ લઈ દીધો હતો. તેમાં જ પોર્ન સાઈટ જોતા બાદ ગીતાબેન પર શંકા કરવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસ શાંત હરેશ દ્વારા ગત મોડી રાત્રીના ફરી લખણ ઝળકાવ્યા હતા. ગઇ કાલે રાત્રીના પતિ હરેશે પોતાની પત્ની ગીતાબેન પર સૂયા વડે તૂટી પડ્યા હતા. જેથી ઘરમાં દેકારો થતા પુત્રી અનુશ્રી જાગી ગઈ હતી અને તે વચ્ચે પડતા તેને પણ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. જેથી હુમલામાં ઘાયલ બંને માતા-પુત્રીને સારવાર માટે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ઘટનાની નોંધ કરી હરેશ સામે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે. રાજકોટમાં પોર્ન સાઈટના કારણે બીજો પરિવાર ભોગ બન્યો છે.