શ્રાવણ મહિનાની શીતળા સાતમનું વિશેષ મહત્વ
શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ માસના સોમવારનું તો મહત્વ છે જ પરંતુ રક્ષાબંધન , સાતમ આઠમનું વિશેષ મહત્વ છે . રાંધણ છઠના દિવસે રસોઈ બનાવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે માં શીતળાની પુજા અર્ચન કરી ઠંડુ ખાવાની પ્રથા છે અને શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતો નથી, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માઁની વાર્તા સાંભળવાની પરંપરા છે . આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે.
બુધવારે શીતળા સાતમના દીવસે માતા શીતળા માતાજીની પૂજા કરવી માતાજીને કુલેર તથા શ્રીફળ વધેરી અર્પણ કરવું માતાજીને આપણા ઘરમાં શીતળતા રાખી ઘરના સભ્યોને કોઈ બીમારી ન થાય એવી પ્રાર્થના કરવી. મહિલાઓ શીતળા માતાની પૂજા કરવા માટે ઘરની નજીકના તળાવ પર સ્નાન માટે જાય છે. આખો દિવસ ઉપવાસ રાખી સાંજે ઠંડુ ભોજન કરે છે.
રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો ચુલા, સગડી કે ગેસના ચૂલા જેવા રસો બનાવવાના સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેની પૂજા કરી કૃત્ય બને છે. શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહી–ધોઈ પવિત્ર થઈ, શીતળા માતાજીની પૂજા કરી ઠંડું ખાય છે.
શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં સાધનો પોતાની પાસે રાખ્યા છે. એક માન્યતા અનુસાર આ સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાઇ રહે છે. આમ તો શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન–પૂજા અને કર્મ–પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે.