ભક્તિનગર ઉપરાંત જયુબેલી અને કરણપરા વિસ્તારોમાં પણ ચીલઝડપ કર્યાની કબુલાત : કુલ રૂ.73 હજારની મુદ્દામાલ કબ્જે
શહેરમાં છેલ્લા એક માસમાં પાંચેક સ્થળેથી મહિલાઓના પર્સની ચીલઝડપ કરનાર સમડીને ભક્તિનગર પોલીસ દ્વારા બોલબાલા માર્ગ પર આવેલા જલજીત હોલ પાસેથી પકડી પાડી તેમની પાસેથી કુલ રૂ.73 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જ્યારે આ બંને શખ્સોની પૂછપરછ કરતાં તેને આ પર્સ ભક્તિનગર ઉપરાંત જયુબેલી અને કરણપરા વિસ્તારોમાંથી ચીલઝડપ કર્યાની કબુલાત આપી છે.
વિગતો મુજબ ભક્તિનગર પોલીસે છેલ્લા એક માસમાં પાંચ સ્થળેથી પર્સની ચીલઝડપ કરનાર જયદિપ ભરત પરમાર (ઉ.વ.23, રહે. માટેલ સોસાયટી શેરી નં.6, ઓમનગર સર્કલ પાસે) અને તેના સાગરીત પાર્થ શૈલેષ વાઘેલા (ઉ.વ.19, રહે. આકાશદિપ સોસાયટી શેરી નં.4, મવડી ચોકડી પાસે)ને ભક્તિનગર પોલીસે ઝડપી લઈ તપાસ આગળ ધપાવી છે.
બંને આરોપીઓ પાસેથી પોલીસે સોનાની બુટી, ઈયર બડ, રોકડા રૂપિયા 1000, ગુનામાં વપરાયેલ બાઈક, બે મોબાઈલ ફોન મળી કુલ રૂા. 73 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે જણાવ્યું કે આરોપી જયદિપ અગાઉ પણ ચીલઝડપના બે ઉપરાંત ધમકી આપવાના એક ગુનામાં પકડાઈ ચુકયો છે. એકાદ માસ પહેલા જ તે જેલમાંથી છુટયા બાદ ફરીથી ચીલઝડપ કરવાનું શરૂ કરી દીધુ હતું. ગઈ તા.11ના રોજ એક મહિલા જયારે પોતાની પુત્રીને ટુ વ્હીલર પાછળ બેસાડી જતી હતી ત્યારે તે મહિલાની પુત્રીના હાથમાંથી મોબાઈલ ફોન, સોનાની બુટી અને રોકડ સાથેની મળી કુલ રૂા.36490ની મત્તાનું પર્સ છીનવી લીધુ હતું. આજ રીતે ગઈ તા. 15ના રોજ ભક્તિનગર સોસાયટીમાંથી પણ એક મહિલાના પર્સની ચીલઝડપ કરી હતી.આ બંને બનાવના આધારે ભક્તિનગરના પીઆઈ એમ.એમ. સરવૈયા અને પીએસઆઈ એમ.એન. વસાવાએ પોલીસની ટીમોને કામે લગાડી હતી. સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે પોલીસે બંને આરોપીઓની ઓળખ મેળવી ઝડપી લીધા હતા. પુછપરછમાં જયુબેલી વિસ્તારમાંથી એક અને કરણપરા વિસ્તારમાંથીબે મહિલાના પર્સ ઝુંટવ્યાની કબુલાત આપી છે.