સિંહ અને સિંહણને ખૂલ્લામાં રાખવાના હોય મુસાફરો – મુલાકાતીઓની સલામતી સહિતની બાબતોની ચકાસણી માટે કેન્દ્રની ટીમ ટૂંક સમયમાં રાજકોટ આવે તેવી સંભાવના
શહેરના સામાકાંઠા વિસ્તારમાં પ્રદ્યુમન પાર્કની પાછળ લાલપરી તળાવના કાંઠે કોર્પોરેશન દ્વારા લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. તેવી ઘોષણા ગત બજેટમાં કરવામાં આવી છે. હાલ જ્યાં લાયન સફારી પાર્ક બનાવાનો છે ત્યાં દિવાલ બનાવવા સહિતની કામગીરી ચાલી રહી છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકારની ઝૂ કમિટી સમક્ષ લાયન સફારી પાર્કની ડિઝાઇન રજૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. દોઢ માસ પૂર્વે ડિઝાઇન રજૂ કરવામાં આવી છે. પરંતુ ત્યારબાદ સેન્ટ્રલ ઝૂ કમિટીની બેઠક મળી ન હોવાના કારણે પ્રક્રિયા આગળ ધપી શકી નથી.
આ અંગે વધુ માહિતી આપતા ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે લાલપરી તળાવ પાસે 29 હેક્ટર જમીન પર લાયન સફારી પાર્ક બનાવવાની ઘોષણા ગત બજેટમાં કરવામાં આવી હતી. હાલ જમીન ફરતે કાંટાળી ફેન્સીંગ બનાવવાની અને વૃક્ષારોપણ સહિતની કામગીરી ચાલી રહી છે. સૂચિત લાયન સફારી પાર્ક માટેની ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવી છે. સંપૂર્ણ જમીન તથા આસપાસના વિસ્તારોના નક્સા સાથેની ડિઝાઇન દોઢેક મહિના પહેલા કેન્દ્ર સરકારની ઝૂ ઓથોરિટી સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. ઝૂ ઓથોરિટીની બેઠક દર ત્રણ મહિને એકવાર મળતી હોય છે. રાજકોટ મહાપાલિકા દ્વારા ડિઝાઇન રજૂ કરાયા બાદ ઝૂ કમિટીની બેઠક મળી નથી. જેના કારણે પ્રક્રિયા આગળ વધી શકી નથી. સામાન્ય રીતે લાયન સફારી પાર્ક માટે મંજૂરી મેળવવી ખૂબ જ લાંબી અને જટીલ પ્રક્રિયા છે.
કારણ કે અહિં ખૂલ્લામાં સિંહને રાખવાના હોય છે અને તેના ખોરાક માટે અન્ય પશુઓને પણ ખૂલ્લામાં રાખવા પડે છે. મુલાકાતીઓ પણ આવતા હોવાના કારણે સુરક્ષા સહિતની બાબતોની ચકાસણી કરવા માટે ઝૂ ઓથોરિટીની ટીમ બે થી ત્રણ વખત સ્થળ મૂલાકાત કરતી હોય છે અને જરૂરી સુધારા-વધારા માટે માર્ગદર્શન આપતી હોય છે. ડિઝાઇન રજૂ કર્યા બાદ હજુ સુધી કોઇ પ્રક્રિયા આગળ ધપી શકી નથી. દરમિયાન આગામી દિવસોમાં ઝૂ ઓથોરિટીની ટીમ રાજકોટમાં બનનારા લાયન સફારી પાર્કની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.
આ ટીમ દ્વારા સ્થળ નિરિક્ષણ કરવામાં આવશે. સાથોસાથ રાજકોટ મહાપાલિકા દ્વારા જે ડિઝાનઇ અને નક્સા રજૂ કરવામાં આવ્યા છે તેની ચકાસણી કરાશે અને તેમાં ફેરફાર પણ સૂચવવામાં આવશે. હાલના તબક્કે એવી ગણતરી છે કે લાયન સફારી પાર્ક માટે ઝૂ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ એક સિંહ અને એક સિંહણ એમ જોડીને અહિં ખૂલ્લામાં રાખવામાં આવશે. ત્યારબાદ વધારે સિંહ-સિંહણ મૂકવામાં માટે વિચારણાં કરવામાં આવશે. હાલ પ્રક્રિયા પ્રાથમિક તબક્કે ડિઝાઇન મંજૂર થયા બાદ આગળની કાર્યવાહીને વેગ આપવામાં આવશે.
તેઓએ ઉમેર્યું હતું કે લાલપરી તળાવના કાંઠે 29 હેક્ટરમાં નિર્માણ પામનાર લાયન સફારી પાર્કની જમીન ફરતે હાલ કાંટાળા તારની ફેન્સીંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે.