8 જ મહિનામાં સોડા એશની કિંમતોમાં 18 ટકાનો ઘટાડો : ગુજરાતમાં સોડા એશ બનાવતી કંપનીઓની આવકમાં પણ ગાબડા પડ્યા
ઉંચા ઉર્જા ખર્ચને કારણે 2022 માં ટોચ પર પહોંચ્યા પછી સોડા એશની કિંમતોમાં આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 18% જેટલો ઘટાડો થયો છે. સોડા એશ ઉત્પાદકોની આવકને નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પ્રતિકૂળ અસર થઈ છે. 2024ના ક્વાર્ટર 1માં જીએચસીએલે આવકમાં 11% નો ઘટાડો નોંધાવ્યો, ટાટા કેમિકલ્સે તેની આવકમાં 7.3% ઘટાડો જોયો.ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે સોડા એશની કિંમતો હાલમાં 30,000 રૂપિયા પ્રતિ ટનની આસપાસ છે, જે ડિસેમ્બર 2022માં 37,000 રૂપિયા પ્રતિ ટનની ટોચની કિંમત હતી. વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં ઓછી માંગ અને ચીનમાંથી નવી સપ્લાય ચેઇનના ઉદભવને કારણે સ્થાનિક ભાવમાં નરમાઈ આવી છે.
ગુજરાત ટાટા કેમિકલ્સ, નિરમા, જીએચસીએલ અને આરએસપીએલ જેવા સોડા એશ ઉત્પાદકોનું ઘર છે. કંપનીના ત્રિમાસિક પરિણામો પર, ટાટા કેમિકલ્સ લિમિટેડના એમડી અને સીઈઓ આર મુકુન્દને જણાવ્યું હતું કે, સોડા એશના ભાવ પર પ્રતિકૂળ અસર પડી હતી કારણ કે ઘણા ગ્રાહકોએ મંગોલિયા, ચીનમાંથી અપેક્ષિત નવા સપ્લાયને કારણે ખરીદીના નિર્ણયોમાં વિલંબ કર્યો હતો. કોવિડ પછી ચીનની અર્થવ્યવસ્થાની ધીમી વૃદ્ધિ અને વિકસિત અર્થતંત્રોમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં નરમાઈને કારણે આને વધુ અસર થઈ હતી. આવી સ્થિતિ નજીકના ગાળામાં ચાલુ રહી શકે છે.
ડિટર્જન્ટ સેગમેન્ટમાં મોસમી ઘટાડાથી પણ સોડા એશની માંગને અસર થઈ
ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતો કહે છે કે ક્વાર્ટરમાં વિવિધ સ્થાનિક અંતિમ-ઉપયોગકર્તા સેગમેન્ટ્સ તરફથી માંગ ઓછી હતી. ભાવમાં ઘટાડો મુખ્યત્વે વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં ઘટતી માંગને કારણે થાય છે. કાચ અને ઓટોમોબાઈલ સેગમેન્ટ માટે આવી સ્થિતિ વધુ છે. ડિટર્જન્ટ સેગમેન્ટમાં મોસમી ઘટાડાથી પણ માંગને અસર થઈ છે. બીજી તરફ, ચાઇના તરફથી તાજા પુરવઠાએ ભારતીય ઉત્પાદકોને ભાવ ઘટાડવાની ફરજ પાડી હતી. ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના વરિષ્ઠ પદાધિકારીએ તેમ જણાવ્યું હતું.
ગ્રીન એનર્જીની પહેલ સોડા એશ માટે આશિર્વાદરૂપ બને તેવી આશા
જીએચસીએલના મેનેજિંગ ડિરેક્ટર આરએસ જાલાને જણાવ્યું હતું કે વધારે પુરવઠો અને ઘટતી માંગને કારણે કિંમતોમાં ઘટાડો થયો છે. સોલાર પાવર અપનાવવા અને ઈલેક્ટ્રિક વાહનો માટેના પ્રોત્સાહનો સહિત ભારતની ગ્રીન એનર્જીની પહેલ સોડા એશ ઉત્પાદકોને બળ પૂરૂ પાડશે. સોડા એશનો લિથિયમ આયન બેટરી અને સોલાર ગ્લાસના ઉત્પાદનમાં વપરાશ થાય છે.