દાહોદ, સુરત, મહીસાગર, ડાંગ સહિત રાજયના 11પ તાલુકાઓમાં બે ઇંચ સુધીનો વરસાદ: લાંબા વિરામ બાદ નવા રાઉન્ડનો પ્રારંભ થતા ખેડુતો ખુશખુશાલ
ઉતર ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે સારો વરસાદ વરસ્યા બાદ છેલ્લા પંદરેક દિવસથી વરસાદે વિરામ લેતા ખેડુતોએ ઉભો પાક સુકાતો બચાવવા પિયતનો વ્યવસ્થા હોય તેમ પિયતનો પ્રારંભ કરી દીધો હતો. પરંતુ પિયતની વ્યવસ્થા ન હોય તેવા ખેડુતો ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યાં હતા. ત્યારે રવિવારે દાહોદ, સુરત, મહીસાગર, ડાંગ સહિત રાજયના 11પ તાલુકાઓમાં 1 મીમીથી લઇ બે ઇંચ સુધી વરસાદ વરસતા ખેડુતો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને જાણે ફરીવાર મેઘ મહેરથી મોલાતને જીવનદાન મળ્યું હતું
ઉલ્લેખનીય છે કે, રાજયના 11પ તાલુકાઓમાં મેઘમહેરથી મુરઝાતી મોલાતને જીવનદાન મળશે તેવી આશા ખેડુતોમાં બંધાઇ છે. મધાનક્ષત્રનું વરસાદી પાણી સોના જેવું માનવામાં આવે છે ત્યારે મધામાં મેઘ મલ્હારથી ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
છેલ્લા ર4 કલાકની વાત કરવામાં આવે તો દાહોદના ફતેહપુરામાં 41 મીમી, સુરતમાં 33 મીમી, મહીસાગરના સંતરામપુરમાં 33 મીમી, ડાંગના વઘાઇમાં 18 મીમી, છોટા ઉદયપુરના બોડેલીમાઁ 18મીમી, વલસાડના કપરાડામાં 17 મીમી, સુરતના કામરેજમાં 16 મીમી, દાહોદના જલોદમાં 16 મીમી, મહિસાગરના વિરપુરમાં 1પ મીમી, સુરતના બારડોલીમાં 14 મીમી, વડોદરામાં 14 મીમી, ભરુચમાં 1ર મીમી, ડાંગમાં 1ર મીમી, નર્મદાના તીલકવાડામાં 11 મીમી તેમજ મોરબીના હળવદમાં 10 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ અનુસાર આજે સોમવારે મઘ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયભરમાં બે દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે. જેના કારણે રાજયભરમાં વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના છે.
મઘ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ વરસે તેવી શકયતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ગાજવીજ સાથે વરસાદન સંભાવના છે જો કે હવે રાજયમાં ફરીવાર મેઘરાજા જામતા મોલાતને જીવનદાન મળે તેવી ખેડુતોએ આશા બાંધી છે.
બે દિવસ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, બોટાદ, ગીર-સોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સાંંબર કાંઠા અને પાટણમાં વરસાદ વરસશે તો રાજયના કેટલાક વિસ્તારોમાં 30 થી 40 કીમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. આજે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી સીમીત રહેશે. જો ક બે દિવસ બાદ એટલે કે ર3 ઓગષ્ટથી રાજયમાં મોનસુન બ્રેક આવશે અને એ પછી રાજયમાં વરસાદની શકયતાઓ નહીવત છે.