મેળાની મજામાં વરસાદ બન્યો વિઘ્ન
જામનગર શહેરમાં પ્રદર્શન મેદાન તેમજ રંગમતી નદીના પટમાં મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને આજે પ્રથમ સોમવારથી જ શ્રાવણી મેળા નો પ્રારંભ કરવાનો હતો, પરંતુ હજુ સુધી રાઈડ્સ નું ફિટિંગ કામ પૂર્ણ થઈ શકયું ન હોવાથી અને પરફોર્મન્સ લાયસન્સ ઇસ્યુ થયું ન હોવાના કારણે મેળા નો પ્રારંભ કરી શકાયો નથી.
દરમિયાન આજે સવારે વરસાદી વાતાવરણ બની ગયું હોવાથી અને શહેરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો હોવાના કારણે વધુ વિલંબ સર્જાયો છે. જોકે કેટલાક રાઇડના સંચાલકો વરસતા વરસાદે પણ ફીટીંગ નું કાર્ય ચાલુ રાખીને તૈયારીમાં જોડાયા છે.
આ ઉપરાંત રંગમતી- નાગમતી નદીના મેળામાં હજુ સુધી મેળા માટે ની કોઈ તૈયારીઓ કરી શકાઇ નથી, તેમજ આજે વરસાદી વાતાવરણને લઈને સમગ્ર મેળા મેદાનમાં પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળ્યા હતા. અહીં મેળાનું આયોજન કરવામાં વધુ વિલંબ થાય તેમ મનાઈ રહ્યું છે.