સુપ્રીમ કોર્ટે કહ્યું- લગ્ન વિના ‘મા’ બનવું માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
સુપ્રીમ કોર્ટે ગુજરાતની બળાત્કાર પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. બળાત્કાર બાદ ગર્ભપાત સંબંધિત એક કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ આ નિર્ણય આપ્યો હતો અને લગ્ન વિના ‘મા’ બન્યા બાદ મહિલાઓને થતી માનસિક પરેશાનીઓ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
બળાત્કાર બાદ ગર્ભપાત સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતીય સમાજમાં લગ્નની અંદરની ગર્ભાવસ્થા દંપતી અને પરિવાર અને સમાજ માટે ખુશીનો વિષય છે. પરંતુ લગ્નની બહાર અનિચ્છનીય ગર્ભધારણ થવું સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.
આ પહેલા સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બળાત્કાર પીડિતાની ગર્ભપાત કરવાની અરજી પર સુનાવણી કરતા તેની ફરી મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ હોસ્પિટલ પાસેથી 20 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.
એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની પણ ટીકા કરી હતી, જેણે પીડિતાની ગર્ભપાત કરવાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ઘણો કિંમતી સમય વેડફાયો છે. આવા કિસ્સાઓમાં તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.
ગુજરાતની બળાત્કાર પીડિતા 25 વર્ષની છે. તેણીએ ગર્ભપાતની મંજૂરી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની ઉતાવળમાં સુનાવણી કરવામાં આવી હતી અને સોમવારે (21 ઓગસ્ટ) પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. પીડિતાનો દાવો છે કે તેને 4 ઓગસ્ટના રોજ તેની પ્રેગ્નન્સી વિશે ખબર પડી હતી. જે બાદ તેણે 07 ઓગસ્ટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે બોર્ડની રચના કરી અને 11મી ઓગસ્ટે રિપોર્ટ આવ્યો. બોર્ડ અમારી દલીલની તરફેણમાં હતું. પરંતુ ગુજરાત હાઈકોર્ટે સરકારની નીતિને ટાંકીને અરજી ફગાવી દીધી હતી.