મહિલાઓનું જાતીય શોષણ સહિતની સમસ્યાઓ નિવારવા રાજકોટ કલેકટરનું મહત્વનું પગલું
રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ, જિલ્લાના બાકી પ્રશ્ર્નોનુ નિયત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા કલેક્ટરની તાકીદ
જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેક્ટર એસ.જે ખાચરે ઉપસ્થિત સૌને આવકાર્યા હતા અને વર્કશીટના બાકી કાગળોનો સત્વરે નિકાલ કરવા સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી.
કલેક્ટર પ્રભવ જોષીએ કોર્ટ મેટર હોય તેવા કેસની દર મહિને બે વખત સમીક્ષા કરવા અને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગે તમામ સરકારી વિભાગો તથા શાળા અને શૈક્ષણિક સંસ્થાઓમાં આંતરિક સમિતિ નીમવા જિલ્લા કલેક્ટરએ સૂચના આપી હતી.
ઘેલા સોમનાથ ખાતે ચાલી રહેલા શ્રાવણ માસના મેળા દરમિયાન નાગરિકોને એસ.ટી. બસોની સુવિધા પૂરી પાડવા કલેકટરએ એસ.ટી.ના વિભાગીય નિયામકને આદેશ કર્યા હતા.
જેટકો, સિંચાઈ, જમીન સંપાદન, સંસદ આદર્શ ગ્રામ યોજના, મતદાર યાદી સુધારણા, ખેતીવાડીની જમીનનો સર્વે, અર્બન હાટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સી.એમ. ડેશબોર્ડના બાકી રહેલા પ્રશ્નો, પ્રવાસન સમિતિ વગેરેની કામગીરી વિશે આ બેઠકમાં સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નગરપાલિકાઓના પ્રાદેશિક નિયામક ધીમંત વ્યાસ, પ્રાંત અધિકારીઓ સર્વ કે. જી. ચૌધરી, રાજેશ આલ, સંદીપ વર્મા, જે.એન.લીખીયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બ્રિજેશ કાલરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ. ઠુંમર, નાયક વન સંરક્ષક ડોક્ટર તુષાર પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણ,જિલ્લા આયોજન અધિકારી જે. કે. બગીયા, આઇ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી, આરોગ્ય અધિકારીઓ ડો. એન. એમ. રાઠોડ તથા ડો. પી.કે. સિંઘ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી અવનીબેન દવે, અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચર, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા, સહિત સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.