બાળકીની સારવાર માટે આવેલા ક્ષ્રમિકના પુત્રને એક શખ્સે ઉઠાવવાનો પ્રયાસ કરતા બઘડાટી: સિક્યુરિટી ગાર્ડએ બાળકને છોડાવ્યો
સામાપક્ષે શખ્સે સારવાર બાદ ભૂલી ગયેલા દાગીના અને પૈસા લેવા આવ્યો હોવાથી ઓળખીતાનું બાળક હોવાનું રટણ
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી પીડિયુ સિવિલ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે અનેક વખત દર્દી સાથે હાજર સબંધીઓ સાથે અજુગતું ઘટનાઓ સામે આવતી હોય છે. તેવી જ વધુ એક ઘટના સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે. જેમાં ઇમર્જન્સી વિભાગ નજીક રમી રહેલા હાલ મોરબી 2હેતા મૂળ યુપીના દંપતિના 4 વર્ષના બાળકને એક શખ્સ ઉપાડી જવાનો પ્રયાસ કરતાં નજીકમાં જ બાળકના પિતા હોઇ તે જોઇ જતાં તેણે આ શખ્સ સાથે ઝપાઝપી કરી હતી. એ દરમિયાન સિક્યુરીટી ટીમ આવી ગઇ હતી અને શકમંદને પકડી પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યો હતો.
સૌપ્રથમ બાળકને ઉઠાવવાનો પ્રયાસ કરનાર શખ્સે હોસ્પિટલમાં આવવા અંગેના અલગ અલગ કારણ જણાવ્યા હતાં. બાદમાં પોતાને બે દિવસ પહેલા આંચકી આવી હોઇ સારવાર બાદ રજા લઈને ગયા પછી પોતે પૈસા, કાનની બુટી ભુલ ગયો હોઇ તે લેવા આવ્યાનું અને એક પરિચીતના બાળક જેવું જ બાળક જોવા મળતાં તેને રમાડવા પૃછા કરવા જતાં બાળકના વાલીએ ગેરસમજ કરી મારકુટ કરી લીધાનું રટણ કર્યુ હતું.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના પીપ2ી રોડ પર રહેતાં અને રબ્બરની કંપનીમાં કામ કરતાં સુનિલકુમાર રાધેલાલ કોલીની પત્નિ સનુએ થોડા દિવસ પહેલા જ પુત્રીને જન્મ આપ્યો હોઇ આ નવજાત બાળકીને મળમાર્ગ બંધ હોઇ તેના ઓપરેશન માટે દાખલ કરવામાં આવી છે. સવારે તેણી બાળકી સાથે વોર્ડમાં હતો અને તેનો પતિ સુનિલકુમાર તેના બે પુત્રો સુરજ (ઉ.વ.4) તથા ચંદન (ઉ.વ.3)ને લઇ ઇમર્જન્સી વોર્ડ નજીક બેઠો હતો. ત્યારે પુત્ર સુરજ થોડો દૂર રમતો હતો. આ વખતે અચાનક સુનિલકુમારની નજર સુરજ પર પડતાં તેને પગ પાસેથી પકડીને એક શખ્સ ઉઠાવી જવાનો પ્રયાસ કરતો જોવા મળતાં તેણે દોટ મુકી હતી શખ્સ સાથે ઝપાઝપી કરી હતી.સિવિલ હોસ્પિટલમાં એકાએક દેકારો થતાં સિક્યુરીટી જવાન સંજયભાઈ દોડી ગયા હતા અને સિક્યુરિટી ટીમના ઇન્ચાર્જ એ.ડી.જાડેજા અને જનકસિંહ સહિતના પહોંચી ગયા હતાં. વાત શું બની છે? તે અંગે બાળકના પિતા સુનિલકુમારને પુછતાં તેણે આ શખ્સ પોતાના પુત્રને ઉઠાવી જવાનો પ્રયાસ કરતો હોવાનું કહ્યું હતું.
સિક્યુરીટીની ટીમે પ્રારંભીક તપાસમાં ઘટનાને ગંભીર ગણી તકેદારી વાપરી હતી અને તુરત જ 100 નંબરમાં ફોન કરી પોલીસને બોલાવી હતી. પીસીઆર મારફત બાળકના વાલીને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં. બીજી તરફ શકમંદની પણ પુછતાછ શરૂ કરવામાં આવી હતી. તેણે પોતે દાહોદ પંથકનો રવિન્દ્ર ભરત નીસરતા હોવાનું કહ્યું હતું. સૌપ્રથમ રવીન્દ્ર નામના શખ્સે પ્રારંભે ગોળગોળ વાતો કરી હતી. એ પછી આકરી પુછતાછ થતાં તેણે હાલ કાલાવડના નાના વડાળા ગામે રહી મજૂરી કરતો હોવાનું રટણ કર્યું હતું.
પોતાને આચકીની બીમારી હોય અને થોડા દિવસ પહેલા પોતે વતન જતો હતો ત્યારે એસટી બસમાં મુસાફરી કરતો હતો ત્યારે રાજકોટ નજીક પહોંચતા બસમાં આંચકી આવતાં રાજકોટ સિવિલમાં દાખલ થયો હતો. પરમ દિવસે રજા અપાઇ હતી. પણ વતન ગયો નહોતો, વોર્ડમાં તેના પૈસા, બુટી ભુલાઇ ગયા હોઇ તે લેવા આવ્યો હતો. એ દરમિયાન આજે ઇમર્જન્સી વોર્ડ પાસે જે બાળક રમતું હતું તે પોતે જ્યાં મજૂરી કરે છે તેની બાજુમાં મજૂરી કરતાં દિનેશભાઇના પુત્ર જેવું જ લાગતું હોઇ પોતે રમાડવા અને અહિઆ કોની સાથે આવ્યો તે અંગે પૂછવા જતા બાળકના વાલીને ગેર સમજ થઈ હોવાથી ઝપાઝપી થઈ હોવાનું જાણવા મળ્યું છે.