સંગઠન પ્રભારીઓની નિમણુંક બાદ લોકસભા માટે ઉમેદવારો નકકી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે
લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ગુજરાતમાં સમખાવા પુરતી એકપણ બેઠક જીતી ન શકનારી કોંગ્રેસ આ વખતે થોડી ગંભીર બની હોય તેવું લાગી રહ્યું છે. ઉમેદવારોને પ્રચાર પ્રસાર માટે પૂરતો સમય મળી રહે તે માટે કોંગ્રેસ દ્વારા ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી અમૂક બેઠકો માટે વહેલા ઉમેદવારો જાહેર કરી દેવાની વ્યૂહ રચના અપનાવવામાં આવી છે. આગામી દિવસોમાં સંગઠન પ્રભારીની નિમણુંક કરાયા બાદ ઉમેદવારો નકકી કરવા માટેની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે.
તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિતસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને પ્રદેશ કોંગ્રેસની કો.ઓર્ડીનેશન કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં પ્રદેશ કોંગ્રેસના નેગાઓએ એવી લાગણી વ્યકત કરી હતીકે પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીથી લઈ લોકસભાની ચૂંટણી સુધીમાં છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવે છે.જેના કારણે ચૂંટણી લડતા ઉમેદવારોને પ્રચાર પ્રસાર માટે પર્યાપ્ત સમય મળતો નથી લોકસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારો વહેલા જાહેર કરી દેવામા આવે તેવી ઈચ્છા વ્યકત કરી હતી. આગામી દિવસોમાં પ્રદેશ સંગઠન પ્રભારી ઉપરાંત તમામ મહાનગર અને જિલ્લાના પ્રભારીની નિયુકિત કરાયા બાદ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે તેવી બાંહેધરી પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવી છે.કોંગ્રેસ દ્વારા દરેક ચૂંટણી વખતે મોટા ઉપાડે એવી જાહેરાત કરવામાં આવે છે કે આ વખતે ઉમેદવારોના નામો વહેલા જાહેર કરી દેવામાં આવશે. પરંતુ કયારેય આવું થતુ નથી. કેટલીક બેઠકો માટે તો ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. 26 પૈકી એકપણ બેઠક કોંગ્રેસ છેલ્લી બે ચૂંટણીમાં પણ કોંગ્રેસ માત્ર 17 બેઠકો જ જીતી શકયું છે. આવામાં હવે રાજયસભાની ગુજરાતની 11 બેઠકો આગામી દિવસોમાં ભાજપ મેળવી લેશે ગુજરાતમાં લોકસભામાં સફાયાની હેટ્રીક ખાળવા કોંગ્રેસના નવ નિયુકત પ્રમુખ શકિતસિંહ ગોહિલ સક્રિય બન્યા છે. આગામી દિવસોમાં લોકસભા માટે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે.