50 મીટરની મારક ક્ષમતા સાથેની દેશની પહેલીવાર સ્વદેશી ’પ્રબળ’ રિવોલ્વર શુક્રવારે થશે લોન્ચ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં શસ્ત્ર નિર્માણમાં દબદબો છે. કાનપુર દેશની સૌથી લાંબા અંતર સુધી માર કરનારી રિવોલ્વર ’પ્રબલ’ આપવા જઈ રહ્યું છે. જેની મારક ક્ષમતા 50 મીટર છે. આ રિવોલ્વરનું નિર્માણ એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડએ કર્યું છે. ’પ્રબલ’ રિવોલ્વર બનીને તૈયાર છે અને 18 ઓગસ્ટએ તેનું લોન્ચિંગ છે. આ રિવોલ્વરનું વજન માત્ર 700 ગ્રામ છે. વજનમાં ઘણી હળવી હોવાના કારણે તે મહિલાઓની પહેલી પસંદ બની ગઈ છે. મહિલાઓ આ રિવોલ્વરને પોતાના પર્સ કે પછી હેન્ડબેગમાં પણ સરળતાથી રાખી શકે છે.
’પ્રબલ’ 32 બોરની હળવી અને અન્ય રિવોલ્વરોથી તેની મારક ક્ષમતા બેગણી છે. લોન્ગ રેન્જવાળી આ રિવોલ્વર ભારતમાં બની છે. જાણવા મળ્યા મુજબ, તેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. તેમાં સાઈડ સ્વિંગ સિલિન્ડર લાગેલા છે. એડબ્લ્યુઈઆઈએલના ડિરેક્ટર એકે મોર્યનું કહેવું છે કે, ’પ્રબલ’ રિવોલ્વરના ફીચર અન્ય રિવોલ્વરોથી અલગ છે. હાલમાં મળતી બધી રિવોલ્વરોની મારક ક્ષમતા માત્ર 20 મીટર છે. તો, ’પ્રબલ’ની મારક ક્ષમતા 50 મીટર છે. કારતૂસ વિના તેનું વજન 700 ગ્રામ છે. તેના બેરલની લંબાઈ માત્ર 76 મીમી છે. તેની કુંલ લંબાઈ 177.6 મીમી છે.
મહિલાઓ તેને સરળતાથી પોતાની સુરક્ષા માટે સાથે લઈને ચાલી શકે છે. શસ્ત્ર લાઈસન્સ ધારક આ રિવોલ્વર ખરીદી શકે છે. તેનું ટ્રિગરપુલ અન્ય રિવોલ્વરો કરતા ઘણું સરળ છે. તેના જૂની આવૃત્તિમાં કારતૂસ નાખવા માટે તેને વાળવી પડતી હતી. એકે મોર્યએ જણાવ્યું કે, એડબ્લ્યુઈઆઈએલ કંપનીને યુરોપી દેશોથી 600 કરોડનો ઓર્ડર મળ્યો છે. કંપની ’પ્રબલ’ઉપરાંત સારંગ તોપ, કાર્બાઈન, ડ્રોન પણ લોન્ચ કરશે.