શંકાના પગલે પોલીસે મૃત્તદેહને ફરીવાર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતા હત્યાનો ભેદ ખૂલ્યો: આરોપી સંકજામાં
શહેરની ભાગોળે આવેલા ધમલપર ગામ પાસે અવાવરું જગ્યાએથી ભાવનગર રોડ પર મયુરનગર રાજમોતી મિલ પાસે રહેતા ભરત ચના એંધાણી (ઉ.વ.45)નું ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ મોત થયું હતું. જેમાં પોલીસે પ્રથમ અકસ્માતનો બનાવ હોવાનું નજરે ચડતા તેમનું પીએમ કરાવ્યું હતું. પરંતુ જેમાં શંકા જણાતા પોલીસે મૃતદેહને ફરીવાર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો જેમાં હત્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આધેડના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. હાથ અને શરીરે ઊંડા તીક્ષ્ણ હથિયારના ઘા ના નિશાન જોવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એક આરોપી સામેથી હાજર થઈ દારૂના નશામાં માર માર્યો હોવાથી મોત નીપજ્યું હોવાની કબૂલાત આપતા મિત્રના હાથે મિત્રની હત્યા થયાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નજીક ધમલપર ગામ પાસેથી એક અજાણ્યો આધેડ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલ છે તેવી માહિતી મળતા 108ની ટીમ એમ્બ્યુલન્સ સાથે દોડી ગઈ હતી. બપોરના સમયે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શરીરે ઇજાના નિશાન હોવાથી તબીબોએ તુરંત પોલીસને જાણ કરી હતી. સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસ અને ક્ધટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી કુવાડવા રોડ પોલીસના પીઆઈ એલ.કે.જેઠવા, પીએસઆઈ વસાવા, પીએસઆઈ એસ.આર. વડાવી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
તે દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્તનું નામ ભરત એંધાણી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના પરિવારની શોધખોળ કરી માહિતી અપાઈ હતી. સારવાર દરમ્યાન ભરતે સાંજે સાતેક વાગ્યાના અરસામાં દમ તોડી દીધો હતો. પોલીસે પીએમ અર્થે મૃતદેહ ખસેડતા પ્રથમ સામાન્ય પીએમ કરાયું હતું. આ તરફ શંકાસ્પદ મોત હોવાથી ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફર્લોની ટીમો કામેં લાગી હતી. સૂત્રોએ જણાવ્યું કે, જે પછી અચાનક એક શખ્સ પેરોલ ફર્લો ટીમ પાસે સામેથી હાજર થઈ ગયો હતો. આ શખ્સ દ્વારા કબૂલાત આપી હતી કે, તેના દ્વારા ભરતને ઢોર માર મારવામાં આવ્યો હતો. ધમલપર વાડી વિસ્તારમાં તાવો કરવા માટે ત્રણ-ચાર મિત્રો ભેગા થયા હતા. જેમાં માથાકૂટ થઈ હતી જેથી મારામારી થઈ ગઈ હતી. હાલ આ શખ્સને પોલીસે સકંજામાં લીધો છે. મૃતક ભરત ગેરેજમાં કામ કરતો હોવાનું અને તે અપરણિત હતો. બે ભાઈમાં મોટો હતો. તેના નાના ભાઈનું નામ મુકેશ છે. ભરત માતા શાંતુંબેન સાથે રહેતો હતો. હત્યાના કારણે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
કુવાડવા ગામે પ્રેમ પ્રકરણમાં થયેલી માથાકૂટમાં યુવાનની લોથ ઢળી
શહેરની ભાગોળે આવેલા કુવાડવા ગામે આઠ દિવસ પૂર્વે પ્રેમ પ્રકરણમાં થયેલા સશસ્ત્ર અથડામણમાં બંને પક્ષે ઘવાયેલા બે યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક યુવાને સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા ગામે રહેતા કિશન બાબુભાઈ પીપળીયા નામનો 25 વર્ષનો યુવાન ગત તારીખ 6ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા તુષાર રાજુ આઘોલા, રવિ રાજુ આઘોલા, પ્રકાશ રાજુ આઘોલા, રાજુ આઘોલા અને રંજનબેન રાજુભાઈ આઘોલા નામના શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કિશન પીપળીયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સામાપક્ષે તુષાર અઘોલાને કિશન પીપળીયાએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બંને પક્ષે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા કિશન પીપળીયાએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે મૃતક કિશન પીપળીયાના પરિવારની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ મૃતકનો પિતરાઈ ભાઈ 10 વર્ષ પૂર્વે હુમલાખોર શખ્સોના પરિવારની પુત્રીને ભગાડી ગયો હતો અને પ્રેમ લગ્ન કરી લીધા હતા. બાદમાં બંને પક્ષે સમાધાન પણ થઈ ગયું હતું તેમ છતાં તુષાર આઘોલા દારૂના નશામાં તમે અમારી દીકરીને ભગાડી ગયા છો અમે પણ તમારી દીકરીને ભગાડીશું તેમ કહી ગાળો ભાંડતો હતો. જેથી કિશન પીપળીયાએ ગાળો આપવાની ના પાડતા તુષાર સહિતના પરિવારજનોએ હુમલો કરી માર મારતા કિશન પીપળીયાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.