ભારતનો ટી-20 સિરીઝમાં પરાજય: બેટિંગ અને બોલિંગમાં ખેલાડીઓ ઉણા ઉતર્યા
ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ વનડે શ્રેણી પણ ખૂબ સરળતાથી જીતી ગયું હતું પરંતુ ટી20માં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ભારતીય ખરખાઓને પાઠ શીખવ્યા હતા અને પાંચ મેચની સિરીઝ 3-2 થી જીતી લીધી છે. ભારતીય ટીમમાં સૂર્યકૂમાર યાદવ સિવાય અન્ય કોઈ ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શક્યું ન હતું જ્યારે ભારતીય બોલરોનું પણ પ્રદર્શન ખૂબ નબળું રહ્યું હતું.
પાંચમી અને અંતિમ ટી20 ઈન્ટરનેશનલમાં વેસ્ટઈન્ડિઝથી ભારત આઠ વિકેટથી હારી સીરિઝ 2-3થી ગુમાવવી પડી છે. વેસ્ટઈન્ડિઝ આ રીતે 2017 બાદ ભારત સામે પહેલી ટી20 સીરિઝ જીત્યું છે. અંતિમ મેચની જીતમાં બ્રેંડન કિંગ સ્ટાર રહ્યો હતો. જેણે પાંચ ચોગ્ગા અને છ છગ્ગા સાથે 85 રન ફટકાર્યા હતા અને અણનમ રહ્યો હતો. આ તેનો ટી20માં વેસ્ટઈન્ડિઝ માટે સર્વશ્રેષ્ઠ સ્કોર પણ હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીમે 0-2થી પાછળ રહ્યા બાદ કમબેક કરતાં સીરિઝ 2-2થી બરાબર કરી હતી પરંતુ નિર્ણાયક મેચમાં ખેલાડીઓ લથડિયા ખાઈ ગયા હતા અને કમાલ કરી શક્યા નહોતા.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની ચર્ચા આખી સીરિઝ દરમિયાન રહી. બીજી મેચમાં 18મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલને બોલિંગ ન આપવાની વાત હોય કે પછી વારંવાર પોતાની બોલિંગ કરવાની વાત. હાર્દિક સીરિઝમાં કેપ્ટન તરીકે નિષ્ફળ રહ્યો. બોલિંગ માટે સ્લો પિચ પર ભારતીય ટીમે ધબડકો વાળ્યો. વેસ્ટઈન્ડિઝના બોલરોએ પૂરી સીરિઝ દરમિયાન ધીમી ગતિના બોલથી ભારતીય બેટ્સમેનો પરેશાન કર્યા હતા. ચોથી ટી20માં વિકેટ સારી હતી તો આઈપીએલના ધૂરંધરો ચાલી ગયા. પરંતુ પીચ સ્લો રહેવા પર તેમને સમજમાં ન આવ્યું કે કેવી રીતે રમવું પરિણામે ભારત સીરીઝ હારી ગયું હતું.
આગામી વર્ષે ટી ટ્વેન્ટી વિશ્વ કપ વેસ્ટ ઈન્ડિઝ એટલે કે કેરેબિયન પ્રદેશમાં રમાવવાનો છે ત્યારે ભારત દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું તેનાથી ક્રિકેટ રસીકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. બીજી તરફ જ્યારે ગીલને લેખ બીફોર આઉટ આપવામાં આવ્યો ત્યારે રીવ્યુ લેવાની જરૂરિયાત હતી પરંતુ કોઈ પણ કારણોસર ગીલ અને સૂર્યકૂમારી યાદવ ડીઆરએસ લેવા માટે તૈયાર થયા ન હતા અને પરિણામ સ્વરૂપે ગીલે પવેલિયન પરત ફરવું પડ્યું હતું. તો બંને ખેલાડીઓ માંથી કોઈ એકે પણ ડીઆરએસનો ઉપયોગ કર્યો હોત તો મેચનું પરિણામ કંઈક અલગ જ આવત કારણ કે ગીલ ને જ્યારે લેક બીફોર આપવામાં આવ્યો ત્યારે તે બોલ લેગ્સ સ્ટમ્પની બહાર જતો હતો.