રણમલ તળાવથી શરૂ થયેલી આ યાત્રા હવાઇ ચોક ચાંદીબજાર થઈ પરત એ જ રુટ પર રણમલ તળાવ ખાતે સંપન્ન : સમગ્ર યાત્રાનો રુટ 1.6 કિમી લાંબો રહયો : તમામ સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
જામનગરમાં આજે સવારે કોર્પોરેશન દ્વારા એક ભવ્ય ત્રિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવો, પોલીસકર્મીઓ, છાત્રો અને સ્થાનિક નાગરિકો વિશાળ સંખ્યમાં જોડાયા હતાં. આ યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ યાત્રાનું આયોજન જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાનાં કમિશનરનાં માર્ગદર્શન હેઠળ મેરી મિટી મેરા દેશ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ ત્રિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સોમવારે સવારે આ યાત્રા નવ વાગ્યે રણમલ તળાવ ખાતેથી પાર્કિંગવાળા ગેઈટ નં. 1 થઈ પ્રારંભ પામી હતી.
જેમાં શહેરનાં બંને ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, ડેપયુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનિષ કટારિયા તેમજ કમિશનર દિનેશ મોદી, જામનગર એસ.પી ,શાસક જૂથનેતા કુસુમબેન પંડયા, ફાયર ઓફીસર, દંડક ગોસરાણી તેમજ કોર્પોરેટરો, શાળાઓનાં છાત્રો અને છાત્રાઓ, પોલીસકર્મીઓ, એનસીસી કેડેટસ તેમજ નાગરિકો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.
આ ત્રિરંગાયાત્રા રણમલ તળાવથી પ્રારંભ પામ્ય બાદ ભૂજિયો કોઠો, ખંભાળિયા ગેઈટ, હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર થઈ બાપુનાં બાવલે પહોંચી હતી જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને હારતોરાં કર્યા બાદ આ યાત્રા પરત એ જ રુટ પર રણમલ તળાવ પુનઃ પહોંચી હતી, જયાં યાત્રા સંપન્ન થઈ હતી. આ પ્રકારની ત્રિરંગાયાત્રા શહેરમાં પ્રથમ વખત આટલાં વિશાળ ફલક પર યોજાતાં યાત્રામાં જોડાયેલાં સૌએ જબરી ઉતેજના અને આનંદનો અહેસાસ માણ્યો હતો.