જન્મના પ્રમાણપત્રમાં નામ ઉમેરવા જેવી સામાન્ય બાબતે શાસક નેતા વિનુભાઈ ધવાએ આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીને બેફામ ગાળો ભાંડી: મેયર અને સ્ટે. ચેરમેનની મધ્યસ્થીથી મામલો શાંત પડયો
કોર્પોરેશનની લોબીમાં ફરી ફડાકાકાંડ સર્જાયાની ચર્ચા, જોકે બંને પક્ષે નનૈયો
રાજકોટ મહાનગરપાલીકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફરી એકવાર ફડાકાકાંડ થયાની ચર્ચાઓ લોબીમાં ચાલી રહી છે. જન્મના પ્રમાણપત્રમાં નામ ચડાવવા જેવી સામાન્ય બાબતે શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા અને આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. બેફામ ગાળાગાળી થઈ હતી. શાસક નેતાએ આરોગ્ય અધિકારીને બેથી ત્રણ ફડાકા ખેંચી લીધાની ચર્ચા ચાલી રહી છે. પણ બંને પક્ષ નનૈયો કરી રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ એક અરજદાર જન્મના દાખલામાં નામ ચડાવવા માટે છેલ્લા ઘણા સમયથી ધકકા ખાઈ રહ્યો હોય તેનું કામ પતતું ન હોય તેને આ અંગે શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવાને ફરિયાદ કરી હતી. દરમિયાન તેઓએ ફરિયાદ મળતા ગઈકાલે બપોરે શાસકપક્ષના કાર્યાલય ખાતે આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીને રૂબરૂ બોલાવ્યા હતા. પોતાની એન્ટી ચેમ્બરમાં બોલાવી ખખડાવી નાખ્યા હતા. આરોગ્ય અધિકારીએ પણ મોઢે મોઢ જવાબ આપતા મામલો ગાળાગાળી સુધી પહોચી ગયો હતો. કોર્પોરેશનની લોબીમાં એવી વાતો પણ ચાલી રહી છે કે શાસક નેતાએ આવેગમાં આવી આરોગ્ય અધિકારીને બેથી ત્રણ ફડાકા પણ ખેંચી લીધા હતા દરમિયાન ફડાકાકાંડની ઘટના બનતા આરોગ્ય અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવાનું મન બનાવી લીધું હતુ. જોકે મેયર ડો. પ્રદીપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલની મધ્યસ્થીથી મામલો શાંત પડયો હતો.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવાએ જણાવ્યું હતુ કે, મારા અને આરોગ્ય અધિકારી વચ્ચે ગઈકાલે ઉગ્ર બોલાચાલી થયાની વાત સાચી છે. પરંતુ મેં ડો. વિજય વકાણીને ફડાકા માર્યા હોવાની વાત તદ્ન ખોટી છે. અરજદારની ગેરસમજના કારણે સમગ્ર ઘટના બની હતી જે કામ માટે અરજદાર આવ્યા હતા. વાસ્તવમાં તે કામ બીજા અધિકારીમાં આવતું હતુ. મેં મારી આદત મુજબ ઉંચા અવાજે સુચના આપી હતી. ફડાકા માર્યાની વાત સદંતર ખોટી છે.
આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતુકે, શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા અને મારી વચ્ચે ગઈકાલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો થોડો ગરમા ગરમી સુધી પહોચી ગયો હતો. પણ મને ફડાકા મારવામાં આવ્યા હોવાની વાત પાયાવિહોણી છે. મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની મધ્યસ્થીથી સમાધાન પણ થઈ ગયું છે. કોઈ મોટો ઈશ્યું નથી.