કાલે વિશ્ર્વ અંગદાન દિવસ: ડોનેટ ઓર્ગન સેવ લાઇફ

સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનના માર્ગદર્શન હેઠળ રાજયમાં પાંચ વર્ષમાં 1207 અંગદાન અને 3673 ટ્રાન્સપ્લાન્ટ થયા

 અકસ્માત બ્રેઇડ ડેડ કે બ્રેઇન સ્ટ્રોકથી કોમાની પરિસ્થિતિમાં પરિવારજનો અંગદાન માટે સંમતિ આપવા અનુરોધ લોહીની જેમ માનવ અંગો પણ કૃત્રિમ રીતે વિકસાવી શકાતા નથી. હૃદય, કિડની, લીવર, ફેફસા સહિતના અંગોની ભારતમાં એક લાખથી વધુ લોકોને હાલ તાતી જરૂરિયાત છે. એક માણસના અંગદાનથી પાંચ લોકોની જીંદગી બચાવી શકાય છે, ત્યારે ઓર્ગન ડોનેશનની જાગૃતિ અર્થે આગામી 13 ઓગસ્ટ વિશ્વ અંગ દાન દિવસ ” ઓર્ગન – સેવ લાઈફ” ની થીમ સાથે  ઉજવવામાં આવશે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સાથે રાજ્ય સરકાર સંયુકત રીતે આ અંગે વધુ ને વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહયા છે. હાલમાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ અંગદાન અંગે જાગૃતિ વધે તે માટે ખાસ ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.  જેમાં કલેકટર  પ્રભવ જોશી સહીત રાજકોટ  સિવિલના અધિક્ષક ત્રિવેદીએ પણ સિવિલ ખાતે અંગદાન વધે તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. તાજેતરમાં 13 મા રાષ્ટ્રીય અંગદાન દિવસે ગુજરાતને શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રમનસુખભાઇ માંડવિયાના હસ્તે અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને ત્રણ, ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન  અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને એવોર્ડ એનાયત કરાયા હતાં. સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન ના માર્ગદર્શનમાં રાજ્યમાં પાંચ વર્ષમાં 1207 અંગદાન અને 3673 ટ્રાન્સપ્લાન્ટ થયા છે.

દર વર્ષે અંગદાન અંગેની જાગૃતિ માટે વિશ્વ અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે અંગદાન અંગેની જાગૃતિ માટેની ઝુંબેશ હવે ફળદાયી બનતી જતી હોય તેમ સ્વજનોના મૃત્યુ બાદ અંગદાન માટે સ્વેચ્છાએ લોકો આવતા થયા છે અંગદાન થકી અનેક માનવીઓના  મૂર્જાતા જીવન બચી જાય છે આ ભાવનાનો વ્યાપક પ્રમાણમાં સ્વીકાર થતા હવે સરળતાથી જરૂરી અંગો મળતા થયા છે. અંગદાન ની જરૂરિયાત અને તેની આ પૂર્તિ માટે દાતાઓ ની જેમ જ સામાજિક જાગૃતિ નું ખૂબ જ મહત્વ હોય છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વજનોના મૃત્યુ વખતે અંગદાન નો કપરો નિર્ણય લેવડાવવા માટે ઓર્ગન ડોનેશન ને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત સંસ્થાઓનું ખૂબ મહત્વ હોય છે સમયસર ના અંગદાનના નિર્ણયથી એક થી પાંચ માનવીઓને ફાયદો થાય છે

રાજકોટમાં પહેલું અંગદાન 2006માં થયેલું, અત્યાર સુધીમાં 108 અંગદાન થયા: ડો. તેજસ કરમટા

રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા સાથે સંકળાયેલા ગોકુલ હોસ્પિટલના ડો. તેજસ કરમટાએ અંગદાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં પહેલું અંગદાન વર્ષ 2006 માં થયેલું, હાલ સુધીમાં 108  અંગદાન થયેલા છે. અંગદાન અંગે સમયાંતરે જે રીતે જરૂરિયાત ઉભી થઈ રહી છે તેને અનુલક્ષીને બહોળા પ્રમાણમાં જન જાગૃતિની જરૂરિયાત રહેલી હોઈ વર્ષ 2018 માં ડો. દીવ્યેશ વિરોજા (બી.ટી. સવાણી હોસ્પિટલ), ડો. સંકલ્પ વણઝારા (સ્ટર્લિંગ હોસ્પિટલ) ડો તેજસ કરમટા( ગોકુલ હોસપીટલ) સાથે સામાજિક કાર્યકરો વિક્રમભાઈ જૈન, નીતિનભાઈ ઘાટોલીયા, ભાવનાબેન માંડલિક અને મિત્તલભાઈ ખેતાણીએ સાથે મળી ફાઉન્ડેશન ઉભું કર્યું. ડો. તેજસ કરમટા અંગદાનની ભૂમિકા અંગે જણાવતા કહે છે કે, આજથી 20 વર્ષ પહેલા ફક્ત ચક્ષુદાન થતું. હવે હૃદય, કિડની, લીવર, ફેફસા જેવા અવયવો ઉપરાંત ચામડી, હાડકા ઉપરાંત આખા હાથનું પણ દાન શક્ય છે. સૌથી વધુ જરૂરિયાત હૃદય અને કિડનીની હોય છે. આજની સ્થિતિએ ભારતમાં એક લાખ લોકોને અવયવોની જરૂરિયાત રહેલી હોઈ વધુ ને વધુ લોકો આ અભિયાનમાં જોડાય તેવું ડો. કરમટાએ અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે હાલ 20 હજારથી વધુ લોકો અમારા પ્રોગ્રામ થકી અંગદાન માટે જોડાયા છે.

અંગદાન માટે માત્ર લોકોએ જ નહીં, પરંતુ ડોકટર કક્ષાએ પણ જાગૃતિ જરૂરી: ડો. રાજેશ તૈલી

રાજકોટના જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ ડો. રાજેશ તેલીના જણાવ્યા મુજબ અંગદાન માટે માત્ર લોકોમાં જ નહીં પરંતુ ડોક્ટર કક્ષાએ પણ જાગૃતિ જરૂરી છે. મહાનગરોને બાદ કરતા અન્ય શહેરમાં જયારે અકસ્માત કે બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ સ્ટ્રોક કે હાઈપર ટેન્શન જેવી સ્થિતમાં બ્રેઈન ડેડ થકી કોમાની પરિસ્થિતમાં આવતા દર્દીઓના 6 કલાક કે તેથી વધુ સમય બાદ અન્ય અંગો કામ કરતા બંધ થઈ જાય છે. તેવી પરિસ્થિતિમાં ક્ધસલ્ટેશન દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે યોગ્ય સમયમાં સમજાવવા જરૂરી છે. અંગદાન માટે નજીકની સંસ્થાનો સંપર્ક કરી માર્ગદર્શિકા મુજબ દાન થઇ શકે તેવા અંગોને ગ્રીન કોરિડોર થકી એર લિફ્ટ કરી લઈ જઈ શકાય તેવી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઉપલબ્ધ હોવી પણ એટલી જ જરૂરી છે. આવનારા સમયમાં દર ચાર વ્યક્તિએ એક ડાયાબિટીસનો દર્દી હોવાની શકયતા છે, અને ડાયાબિટીસના દર્દીઓને કિડની ફેલ્યોરની સંભાવના વધશે. આમ આવનારા સમયમાં હાલ કરતા પણ વધુ લોકોને અંગદાનની જરૂરિયાત ઉભી થશે. વિશ્વના અન્ય  દેશો કે જ્યાં ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ નથી તેવા દેશમાંથી આપણને અંગદાન મળે તેવા પ્રયાસો કરવા ડો. તેલીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અંગદાન માટે જાગૃતિ: હજુ પણ લોકો સામાજિક અને ધાર્મિક ગેરમાન્યતા કે અંધવિશ્વાસને કારણે અંગદાન પ્રત્યે ઉદાસીન રહે છે. આ ગેરમાન્યતા સમજણપૂર્વક દૂર કરવી જરૂરી હોવાનું ડો. તેજસ જણાવે  છે. સરકાર દ્વારા અંગદાન  ઈચ્છુક માટે ડ્રાઈવિંગ લાઈસન્સમાં ઓ.ડી. માર્ક કરવામાં આવે છે.

હૃદય અને ફેફસાનાં ટ્રાન્સપ્લાન્ટ થકી નવજીવન મેળવતી હેતલ રાયચુરા

યુવા વયે શરીરના બે-બે મહત્વના અંગ જેના ફેલ્યોર થઈ ગયેલા તેવી રાજકોટની હેતલ રાયચુરા અને તેમના પરિવારજનો માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ નવજીવન લાવ્યું છે. ગત તા. 15 એપ્રિલ 2022  ના દિવસે  હેતલને બે અંગ ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરાઈ. હાલ તંદુરસ્ત હેતલ જીંદગીને અલગ જ એન્ગલથી માણી રહી છે. તેણી જણાવે છે કે, બ્રેઈન ડેડ વ્યક્તિના મૃત્યુ બાદ અંતિમ ક્રિયામાં શરીર સાથે તેમના અવયવો પણ જતા રહેશે, તેના બદલે અંગદાન કરવાથી મારા જેવા પાંચ વ્યક્તિને નવજીવન મળી શકે. માટે અંગદાન  કરવું  જ  જોઈએ તેમ  હેતલ  તેના  જેવા અન્ય દર્દીઓ માટે  પ્રાર્થના કરતા જણાવે છે.

અંગદાન પ્રક્રિયા: અંગદાન ઇચ્છુક વ્યક્તિએ એક ફોર્મ ભરી તેમની પ્રતિબદ્ધતા દર્શાવવાની  હોય છે. તેમજ તેમના પરિવારજનોને આ અંગે અગાઉથી જાણ કરવાની રહે છે. જો તેઓનું આકસ્મિક મૃત્યુ થાય તો ડોક્ટર દ્વારા તેઓના પરિવારજનોની સહમતિ સાથે અંગ લેવામાં આવે છે.અમદાવાદ સિવિલ ખાતે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન કેન્દ્ર કાર્યરત છે. અહી અંગદાનનું ખાસ રજીસ્ટ્રેશન થાય છે. જરૂરિયાત મુજબ ડોનેટ અંગ અન્ય હોસ્પિટલ ખાતે ગ્રીન કોરીડોર દ્વારા હવાઈ માર્ગે પહોચાડવામાં આવે છે. આથી કોઈ જ અંગ અન્ય રીતે ગેરવલ્લે થાય તેવી કોઈ શક્યતા રહેલી નથી.

અંગદાન કોણ કરી શકે ?: બ્રેઈન ડેડ વ્યક્તિ કે જેના અન્ય અવયવો કામ કરતા હોય તેવા લોકો જ અંગદાન કરી શકે. ખાસ કરીને 65 વર્ષથી નીચેની વ્યક્તિઓ કે જેમનું રોડ અકસ્માતની ઘટનામાં બ્રેઈન ડેડ મૃત્યુ થાય તે કિસ્સામાં જ અંગદાન શક્ય છે. બી.પી., ડાયાબિટીસ સહિતના રોગ ધરાવતા લોકોના અંગ દાન નથી થઈ શકતા. જયારે ત્વચા દાન થઈ શકે છે. જેના માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તથા રેડક્રોસ સોસાયટીમાં  સ્કિન બેન્ક ઉપલબ્ધ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.