હર ઘર તિરંગા…..ઘર ઘર તિરંગા
ખાદી ભવન ખાતે નાનાથી લઈ મોટી તમામ સાઇઝના રાષ્ટ્રધ્વજની દેશપ્રેમીઓ કરી રહ્યા છે ખરીદી
ભારત દેશને આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા સરકારે અમૃત મહોત્સવ નિમિતે ગયા વર્ષથી ‘હર ઘર તિરંગા…ઘર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અન્વયે આ વર્ષે પણ હર ઘર તિરંગા સ્લોગન હેઠળ પરિપત્રો કરી વિવિધ સામાજીક, સંસ્થાઓમાં સરકારી કચેરીઓમાં, શાળાઓ, કોલેજોમાં અને ઘરે ઘરે તિરંગો ફરકાવાશે. આ સ્વાતંત્ર્ય પર્વને લઇને બધા લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવા તંત્ર સાથે વિવિધ સામાજીક સંસ્થાઓ શાળા-કોલેજોમાં તૈયારીઓ થઇ રહી છે ત્યારે શહેરમાં ત્રિકોણ બાગ પાસે આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાતે કર્ણાટક હુબલી સરકાર માન્ય સંસ્થાના કોટન, ખાદીના નાનાથી લઇ મોટી સાઇઝના રાષ્ટ્રધ્વજનું ધૂમ વેંચાણ થઇ રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં ખાદી ગ્રામોદ્યોગ ભવન ખાતે રૂ.3 લાખથી વધુનું રાષ્ટ્રધ્વજનું વેંચાણ કરવામાં આવ્યું છે. ત્યાંથી સરકારી કચેરી, વિવિધ સંસ્થાઓ, શાળા, કોલેજો દ્વારા નાની-મોટી સાઇઝના રાષ્ટ્રધ્વજની ધૂમ ખરીદી થઇ રહી છે.
અમારે ત્યાં ખાદી-કોટનના ‘રાષ્ટ્રધ્વજ’ ઉપલબ્ધ: જીતેન્દ્ર શુક્લા
‘અબતક’ સાથેની વાતચિતમાં ત્રિકોણ બાગ ખાદીગ્રામોદ્યોગ ભવનના મેનેજર જીતેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે અમારે ત્યાં માત્ર દિવસમાં 3 લાખથી વધુના નાના-મોટા રાષ્ટ્રધ્વજનું વેંચાણ થયું છે. અમારે ત્યાં શુધ્ધ ખાદીનાં સરકાર માન્ય કર્ણાટક હુબલીથી રાષ્ટ્રધ્વજ અહિં ખાદી ભવનમાં વેંચાણમાં મુકેલ છે. જેનો લાભ બધા જ લોકો ઉત્સાહથી લે છે. હજુ પણ બે દિવસમાં રાષ્ટ્રધ્વજનું વધુમાં વધુ વેંચાણ થશે. તેવી અમને ખાતરી છે. અમારી પાસે નાનાથી લઇ મોટી સાઇઝના રાષ્ટ્રધ્વજનો પૂરતો સ્ટોક છે. ફક્ત 10 દિવસમાં વિવિધ સરકારી કચેરી, વિવિધ સામાજીક સંસ્થાઓ, શાળા-કોલેજો દ્વારા રાષ્ટ્રધ્વજની ખરીદી કરવામાં આવી છે. છેલ્લા દિવસે છેલ્લી ઘડીએ દર વર્ષે બહોળી સંખ્યામાં લોકો અમારે ત્યાંથી રાષ્ટ્રધ્વજ ખરીદી કરતા હોય છે.
કાલે શહેરની તમામ પોસ્ટ ઓફિસ ખાતેથી ‘તિરંગા’ની ખરીદી કરી શકાશે
કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા અભિયાન’ને લઇને આખા દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં તમામ પોસ્ટ ઓફિસ ખાતે રાષ્ટ્રધ્વજનું વેંચાણ થઇ રહ્યું છે. રાજકોટ પોસ્ટ વિભાગને 35,000 તિરંગા આપવામાં આવેલ છે. જેને લઇને આજ સુધીમાં શહેરની તમામ પોસ્ટ ઓફિસમાં 10 હજારથી વધુ તિરંગાનું વેંચાણ કરવામાં આવ્યું છે. જે કોઇપણ વ્યક્તિને ઘર બેઠા તિરંગાની ખરીદી કરવી હોય તો તેઓ ઇન્ડિયા પોસ્ટ પોર્ટલ પર ઓનલાઇન બુકીંગ કરીને તિરંગો મેળવી શકાશે. માત્ર રૂ.25માં રાજકોટની તમામ પોસ્ટ ઓફિસ ખાતેથી નાગરિકો તિરંગાની ખરીદી કરી શકશે. આવતીકાલે રવિવારે રજાના દિવસે પણ રાજકોટની તમામ પોસ્ટ ઓફિસ ખાતે સવારે 10થી બપોરના 3 વાગ્યા સુધી તિરંગાની ખરીદી કરી શકાશે.