મનોવિજ્ઞાન ભવનના પીએચડીના વિદ્યાર્થીની વરું જીજ્ઞા એ ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં સજા અને તેનું મનોવિજ્ઞાન સમજવા માટે 1350 લોકો પર સર્વે કરીને આ વિશે રસપ્રદ તારણો આપ્યા
19મી સદીની શરૂઆત સુધી શાળા-મહાશાળા કક્ષાએ સજાએ શિક્ષણનો અંતર્ગત ભાગ હતી. આ સમય દરમિયાન શાળા કક્ષાએ સજાનો ઉદ્દેશ હકારાત્મક હતો. બાળક ભણવામાં હોંશિયાર ન હોય તો તેને લાયક સજા કરીને હોંશિયાર બનાવવાનો પ્રયાસ થતો હતો !!! આ વાતને આધુનિક માનસવિદોનું આંશિક સમર્થન મળે છે. તેઓ કહે છે સજાનો ભય વિદ્યાર્થીઓને નકારાત્મક વર્તન કરતાં રોકે છે. શિક્ષકો પણ સજાને અનુસરતા કારણ કે, તે સમયે સજા અધ્યયન-અધ્યાયન પ્રક્રિયામાં ઝડપી ઉદ્દીપક અને પ્રતિચાર ગણાતી હતી. આ સમયે એમ પણ કહેવાતું કે “સોટી વાગે સમ સમ વિદ્યા આવે ધમ ધમ’ નોંધે છે કે, “વર્ગમાં ઈચ્છનીય વ્યવસ્થા જાળવવા અને અસરકારક શિક્ષણ કાર્ય કરવા માટે સજા ઝડપી અને અસરકારક માધ્યમ હતું.”
આજે, શિક્ષણ જગતમાં સજા નિંદનીય બની છે. સજા કરવી ગેરકાયદેસર ગણાય છે. તેના વિરોધમાં અને તરફેણમાં ચર્ચાઓ થાય છે. કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક સજા વિદ્યાર્થીના વર્તન વ્યવહારમાં બદલાવ કે સુધારો લાવવા માટે આવશ્યક ગણાતી નથી.
સજા એ સુધારા કે બદલાવની પૂર્વશરત નથી. નિયમબદ્ધ રીતે વર્તન-વ્યવહાર શીખવવા માટે સજા એ અંતિમ માર્ગ છે. તમામ પ્રયાસો નિષ્ફળ નીવડે ત્યારે ન છૂટકે સજાનો સહારો અને તે પણ તેના વિઘાયક પરિણામો આપી શકે એમ હોય ત્યારે જ લેવો. સજા અને તેનું મનોવિજ્ઞાન સમજવા માટે સજાની સંકલ્પના સમજવી જરૂરી છે.
મનોવિજ્ઞાન ભવનના પીએચડીના વિદ્યાર્થીની વરું જીજ્ઞા એ ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1350 લોકો પર સર્વે કરીને આ વિશે રસપ્રદ તારણો આપ્યા છે.
તારણો
- 21 % કુટુંબોમાં સ્થાપિત સત્તાના પ્રતિમાન મુજબનો વ્યવહાર જોવા મળ્યો હતો. એટલે કે સરમુખત્યાર શાહી જોવા મળી.
- 39 % કુટુંબો પ્રત્યક્ષ પ્રમાણ સહયોગ ને અનુસરતાં જોવા મળ્યા.
- માત્ર 6 % કુટુંબ સહિષ્ણુતા અભિગમને અનુસરતા જોવા મળ્યા અને 34 % કુટુંબો મિશ્ર અભિગમના હિમાયતી જોવા મળ્યા.
- 72 % વાલીઓ માને છે કે બાળકને ક્યારેક આવશ્યકતાનુસાર સજા કરવી અતિ જરૂરી છે.
- 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સાથે રહેતાં 90 % માતા-પિતા માને છે કે કેટલીકવાર બાળકોને કારણ બતાવી ને સજા કરવી ઉપકારક છે.
- મહદ્અંશે સ્ત્રીઓ બાળકોને સજા કરવાની તરફેણ કરે છે કારણ કે તેમણે બાળકો સાથે વધુ સમય વિતાવવાનો હોય છે.
- 30 થી 60 વર્ષના લોકો સજાની તરફેણ કરે છે. જ્ચારે 18-29 વર્ષના યુવાનો સજાને નકારે છે. તેની તરફેણ કરતા નથી..
સજાની બાળમાનસ પર થતી અસરો
- સજાથી બાળકના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે.
- સજાથી બાળક પોતાના આત્મ ગૌરવને ઓછું આંકે છે અને પોતાના માટે નકારાત્મક ભાવ વિકસાવે છે.
- સજા બાળક ને કમજોર બનાવે છે. વધુ કઠોર શિસ્તબદ્ધતા વ્યક્તિત્વ વિકાસ રુંધે છે.
- અતિ સજાથી બાળકનો બૌદ્ધિક, સાવેગિક અને સામાજિક વિકાસ રૂંધાય છે.
- -બાળકની તર્કશક્તિ અને તર્કપ્રક્રિયા મંદ પડે છે અને સમયાંતરે બાળક વર્તન અને તેના પરિણામના સંબંધની સમજ ગુમાવી બેસે છે.
- બાળક પોતાના વિશે હિણપત અનુભવે છે. પોતાને એકલું, નિરાશ અને ત્યજાયેલું અનુભવે છે.
- સજા અધિકારી, પ્રતિનિધિ અથવા શિક્ષક પરત્વે સહિષ્ણુતા અને સહકારની ભાવના શીખવતી નથી. ઉલ્યું, નિયમાનુસાર વર્તવા કરતાં નિયમો તોડવા પ્રેરાય છે.
સજાના ઉપાયો
- શિસ્ત માટેની આક્રમક પદ્ધતિઓના સ્થાને વિદ્યાર્થીની ગેરવર્તણૂકની સુધારણા માટેનાં પ્રયાસો આવકાર્ય બનાવવાં.
- વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ માનસિક સ્થિતિ અને વ્યક્તિત્વ પર પડતી સજાની આડઅસરોથી શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને અવગત કરવા.
- વિદ્યાર્થીઓએ સજાના સ્થાને નમ્રતા, સમયપાલન, ચોક્સાઈ જેવા ગુણોની મહત્તા સમજાવવી.
- સરકાર દ્વારા કાનૂની રીતે સજા પર રોક એ પૂરતું નથી, સમજણ દ્વારા સજા પર રોક આવે એ જરૂરી છે.
- નિયમો બનાવવામાં આવે ત્યારે નિયમો તોડનારને તેનાં પરિણામોની જાણ કરવામાં આવવી જોઈએ.
- જે તે પરિસ્થિતિમાં કેવા પ્રકારનું વર્તન ઈચ્છનીય છે કે નથી તેની જાણકારી વિદ્યાર્થીઓને અગાઉથી આપવામાં આવવી જોઈએ.
- વ્યક્તિગત, વર્ગમાં અને શાળા કક્ષાએ આચરણમાં મૂકવાની નિયમાવલીને અનુસરવા પ્રેરણા આપવી.
- સામાજિક કૌશલ્યવર્ધન તાલીમ, સંઘર્ષ નિવારણ, કૌશલ્ય વિકાસ, તણાવ અને ગુસ્સા નિયંત્રણ અને વ્યવસ્થાપન સમસ્યા નિવારણના ઉપાયો વગેરે વિષયો પર વક્તવ્ય, સેમિનાર, વર્કશોપ યોજી શકાય.