પોપટપરામાં નજીવી બાબતે પાડોશી બાખડયા: ત્રણ યુવાન ઇજાગ્રસ્ત
રૈયાધારમાં સમાધાન માટે ગયેલા યુવાન ઉપર બનેવી સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પોપટપરાના કૃષ્ણનગર વિસ્તારમાં નજીવી બાબતે પાડોશી વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સામસામે મારામારી કરતા ત્રણ લોકો ઘવાયા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમીન માર્ગ રોડ પર આવેલા હિંગળાજનગરમાં રહેતો નિલેશ બુટાભાઈ અલગોતર નામનો ૧૮ વર્ષનો યુવાન રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં રૈયાધાર વિસ્તારમાં આવેલી રાધેશ્યામ ગૌશાળા પાસે હતો ત્યારે તેના બનેવી લાલો ચાવડા, રઘુ ચાવડા, રાજુ ચાવડા, ગોપાલ ચાવડા અને પરબત ચાવડા સહિતના ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલા નિલેશ અલગોતરની બહેન સાથે બનેવી લાલો ચાવડા ઝઘડો કરતો હતો જેથી નિલેશ અલગોતર તેના બંને ભાઈઓને સાથે લઈ બનેવીને સમજાવવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે બનેવી લાલા ચાવડાએ સમાધાનનું કહી રૈયાધાર પાસે ત્રણેય ભાઈઓને ઉભા રાખ્યા હતા અને પાછળથી રિક્ષા અને બાઇકમાં ધસી આવેલા બનેવી સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે
આ ઉપરાંત અન્ય બનાવમાં પોપટપરા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં પાડોશી પરિવાર વચ્ચે નજીવા પ્રશ્ને મારા મારી થઈ હતી. જેમાં સમીર યુસુફભાઈ મોંગલ (ઉ.વ.૨૮) અને શબાનાબેન સલીમભાઈ અવદી (ઉ.વ.૩૩) જ્યારે સામે પક્ષે રોશનબેન સલીમભાઈ ચાવડા (ઉ.વ.૫૦) અને આદિદ સલીમભાઈ ચાવડા (ઉ.વ.૩૨)ને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.