સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય: દરેડ જીઆઈડીસીમાં સુવિધાઓનાં નિર્માણ માટે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કંપનીની  રચના કરાશે

જીઆઈડીસી પ્લોટ અને શેડ હોલ્ડર્સ એશો. અને મનપા વચ્ચે એમઓયુ કરાશે

જામનગરનું દરેડ ઉદ્યોગનગર ઘણાં સમયથી વિવિધ પ્રકારની સુવિધાઓથી વંચીત છે આ ઉપરાંત દરેડના ઉદ્યોગનગરોમાં ડબલ ટેકસનો મામલો પણ ઘણાં સમયથી અટકેલો છે ગઇકાલે ગુરૂવારે સ્ટેન્ડીંગ કમિટીએ ઉદ્યોગકારોના સંગઠન સાથે એમ.ઓ.યુ. કરવા અંગે એક નિર્ણય લેતાં હવે આગામી દિવસોમાં દરેડના ઉદ્યોગનગરમાં કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રકારની પ્રાથમીક સુવિધાઓ પુરી પાડવા માટેની તકો ઉજળી બની છે.

જામનગરના દરેડ ખાતે આવેલા ઉદ્યોગનગરોમાં ઘણાં સમયથી રસ્તાઓ, ગટરો અને પીવાના પાણીની સુવિધાઓના પ્રશ્ર્નો પડતર છે કારણ કે આ ઉદ્યોગનગરો કોર્પોરેશનની હદમાં છે પરંતુ કોર્પોરેશન અને ઉદ્યોગકારો વચ્ચે ટેકસનો મામલો અદાલતોને આધીન હોવાને કારણે કોર્પોરેશન દ્વારા આ ઉદ્યોગનગરોમાં કોઇપણ પ્રકારની પ્રાથમીક સુવિધાઓ આપવામાં આવતી નથી. ઉદ્યોગનગરનું સંચાલન ગુજરાત ઔદ્યોગીક નિકાસ નિગમ કરી રહ્યું છે આ નિગમ પણ ઉદ્યોગકારો પાસેથી વિવિધ પ્રકારના વેરાઓ વસુલે છે. આમ ઉદ્યોગકારોએ ડબલ ટેકસના ભારણથી બચવા માટે ઘણા સમયથી હિલચાલ કરી છે અને કોર્પોરેશન વિરૂદ્ધ કાનુની જંગ પણ લડયો છે આમ છતાં આટલા વર્ષોથી ઉદ્યોગનગરોની સ્થિતીમાં ખાસ કોઇ ફેર પડવા પામ્યો નથી.

ગઇકાલે ગુરૂવારે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન સાથે ટેકસ અને ચાર્જીસના મામલે એમઓયુ કરવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ઉદ્યોગનગરોમાં પ્રાથમીક સુવિધાઓ પુરી પાડવા માટે સ્પેશીયલ પર્પઝ વ્હીકલ કંપનીની રચના કરવામાં આવશે. અને આ કંપનીના માધ્યમથી ઉદ્યોગનગરોમાં પ્રાથમીક સુવિધાઓ આપવામાં આવશે.

આમ, ઘણાં લાંબા સમયથી ઉદ્યોગકારોના સંગઠ્ઠન અને કોર્પોરેશન વચ્ચે સમજુતીની દિશામાં આગળ વધવા માટેની તૈયારીઓ થઇ ચૂકી હોય આગામી સમયમાં આ ઉદ્યોગનગરો ખાતે પ્રાથમીક સુવિધાઓના કામો થવાની સંભાવનાઓ સપાટી પર આવી છે.

દરેડ જીઆઈડીસીનાં હજારો કારખાનેદારો પ્રાથમિક સુવિધાથી વંચિત

દરેડના ઉદ્યોગકારો ઘણાં વર્ષોથી રાજયસરકારના નિગમ જીઆઇડીસીને વિવિધ પ્રકારના વેરા અને ચાર્જીસ ચૂકવે છે પરંતુ જીઆઇડીસી તંત્ર દ્વારા ઉદ્યોગકારોને ખાસ કોઇ સુવિધા આપવામાં આવતી નથી. જેને પરિણામે હજારો કારખાનેદારો અને કામદારો વર્ષોથી વિવિધ પ્રકારની પ્રાથમીક સુવિધાઓથી વંચીત છે. આથી કારખાનેદારો અને કામદારોમાં જીઆઇડીસી પ્રત્યે રોષ અને નારાજગી પણ જોવા મળે છે.

લાંબા સમયથી ડબલ ટેક્સનો પણ પ્રશ્ર્ન હવે હલ થવાની શકયતા

દરેડના ઉદ્યોગકારો વર્ષોથી જીઆઇડીસીને પણ વેરાઓ ભરે છે અને કોર્પોરેશન તરફથી પણ ઘણાં વર્ષોથી ઉદ્યોગકારોને મીલકતવેરાના બિલો આપવામાં આવી રહ્યા છે. ટેકસ અને ચાર્જીસના મામલે ઘણાં સમયથી કોર્પોરેશન અને ઉદ્યોગકારો વચ્ચે કાનુની જંગ પણ ચાલી રહ્યો છે. આ અગાઉ કોર્પોરેશનનો આ કાનુની જંગમાં વિજય થયો હતો પરંતુ આજની તારીખે ઉદ્યોગનગરો અને કોર્પોરેશન વચ્ચે ટેકસ અને ચાર્જીસના પ્રશ્ર્નનો હજી સુધી ઉકેલ આવ્યો નથી. જેને ધ્યાનમાં લઇ હવે કોર્પોરેશને ઉદ્યોગકારો સાથે એમઓયુની દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, એમઓયુની વાત પણ કોર્પોરેશન અને ઉદ્યોગકારો વચ્ચે ઘણાં સમયથી વાત ચાલી રહી હતી. હવે આ આખા મુદ્દાને કોર્પોરેશન દ્વારા કાગળ પર લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.