ચીન ધીમે ધીમે અકળાઈ રહ્યું છે. કારણકે ચીન વિરોધીઓને ભારતે ખુલ્લેઆમ સમર્થન આપવાનું શરૂ કર્યું છે. પરિણામે હવે ચીનને જોખમ દેખાઈ રહ્યું છે. ચીન બધા સાથે સંબંધો બગાડી રહ્યું છે. તેવામાં ભારત વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધી રહ્યું છે.
ચીન અને અમેરિકા વચ્ચેના ટકરાવની સાથે સાથે ભારતે પણ ચીનને કાઉન્ટર કરવાનુ શરૂ કરી દીધુ છે. ઈન્ડો પેસિફિક જળ વિસ્તારમાં આવેલા દેશો ભારતને ચીન સામે સંતુલન બનાવી રાખનારા દેશ તરીકે જોઈ રહ્યા છે. ભારતે પણ હવે ચીનની સામે આ દેશોને સમર્થન આપવાનુ શરૂ કરી દીધુ છે.
તાજેતરમાં જ ભારતે પોતાના બે જંગી યુધ્ધ જહાજોને પાપુઆ ન્યૂ ગિની મોકલ્યા છે. જેના પર યોજાયેલા કાર્યક્રમમાં ખુદ પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાને ભાગ લીધો હતો. ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે દરિયાઈ ટાપુઓ માટે ચાલી રહેલા વિવાદમાં પણ ભારતે ફિલિપાઈન્સનુ સમર્થન કર્યુ છે. વિદેશ મંત્રી જયશંકરે તાજેતરમાં ફિલિપાઈન્સની મુલાકાત દરમિયાન કહ્યુ હતુ કે, બંને દેશોએ 2016માં આંતરરાષ્ટ્રીય કોર્ટે આપેલા ચુકાદાનુ પાલન કરવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ ચુકાદો ચીનની વિરુધ્ધ હતો અને ચીન તેનુ પાલન કરી રહ્યુ નથી.
ચીનની સામે પડેલા બીજા એક દેશ વિયેતનામને ભારતે એક યુધ્ધ જહાજ પણ ભેટમાં આપ્યુ છે. આ માટે ભારનતા નૌસેના ચીફ વિયેતનામની મુલાકાતે પણ ગયા હતા. તો ઓસ્ટ્રેલિયાના કોકોસ કિલિંગ ટાપુ સમૂહ પર પોતાના બે સૈન્ય વિમાન મોકલ્યા છે. પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાત બાદ ભારતની નૌસેનાના આ બે જહાજો ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા તેમજ ભારતના સંયુક્ત યુધ્ધાભ્યાસમાં પણ ભાગ લેવાના છે. જેની યજમાની ઓસ્ટ્રેલિયા કરી રહ્યુ છે.
ભારતની આ કાર્યવાહી બાદ ચીનને બરાબર મરચા લાગ્યા છે. ચીનના સરકારી અખબારે પોતાનો બળાપો કાઢતા લેખમાં કહ્યુ છે કે, ભારતની રણનીતિ નવુ કોલ્ડવોર શરૂ કરશે. ભારતની કાર્યવાહીથી ખતરનાક સંકેતો જઈ રહ્યા છે. ભારત અન્ય દેશોના મામલામાં તટસ્થ રહેવાના પોતાના પરંપરાગત વલણથી ભટકી રહ્યુ છે અને ઈન્ડો પેસિફિક વિસ્તારમાં અમેરિકાની ખુલ્લેઆમ મદદ કરી રહ્યુ છે.
અખબારના લેખમાં કહેવાયુ છે કે, ભારત ભલે અમેરિકા અને ચીન વચ્ચેના ટકરાવમાં પોતાનો ફાયદો ઉઠાવવા માંગતુ હોય પણ ભારત જેટલુ ચીન વિરોધી વલણ અપનાવશે તેટલો જ સંઘર્ષ વધશે અને એશિયાની શાંતિ તથા વિકાસને નુકસાન થશે.
ઉલ્લેખનીય છે કે ચીન વર્ષોથી ન માત્ર આસપાસના પણ દૂરના દેશોને પણ શીંગડા ભરાવવાનું કામ કરી રહ્યું છે. ખાસ તો નાના દેશોને તે દેણું આપીને પોતાનું વર્ચસ્વ બનાવે છે. આવા દેશોને જ્યારે ચીનના વલણની ખબર પડે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.