મહિલા ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં રોડ-રસ્તાના કામ માટે આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 15 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે. હાલ ધારાસભ્યની ગ્રાન્ટ પેટે તમામને વાર્ષિક દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. દરમિયાન હવે ભાજપના 14 અને કોંગ્રેસના એક સહિત કુલ 15 મહિલા ધારાસભ્યોને તેઓના મત વિસ્તારમાં રોડ-રસ્તાના કામ માટે વિશેષ સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ ચૂકવવામાં આવશે.
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ એવા આનંદીબેન પટેલ દ્વારા તેઓના સીએમ તરીકેના કાર્યકાળમાં મહિલા દિન નિમિતે ગુજરાતના તમામ મહિલા ધારાસભ્યોને વિશેષ એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ચૂકવવાની નવિનત્તમ પરંપરા શરૂ કરી હતી. જેને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ ચાલુ રાખી હતી. દરમિયાન 15મી વિધાનસભામાં ભાજપના પ્રતિક પરથી ચૂંટણી લડી 14 મહિલાઓ અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર એમ કુલ 15 ધારાસભ્યએ ચૂંટાય આવ્યા છે. ગત આઠમી માર્ચ વિશ્ર્વ મહિલા દિન નિમિતે તમામ મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે મહિલા ધારાસભ્યોને જે વિશેષ એક કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેને યથાવત રાખવામાં ફઆવે. આ રજૂઆતનો સીએમ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
દરમિયાન ભૂપેન્દ્રભાઇ પટેલે મહિલા ધારાસભ્યોને તેઓની માંગણી કરતા સવાયું આપ્યું છે. મહિલા એમએલએએ 1 કરોડની વિશેષ ગ્રાન્ટની માંગણી કરી હતી. સીએમએ તાજેતરમાં મહિલા ધારાસભ્યોને સવા કરોડની વિશેષ ગ્રાન્ટ આપવાનો નિર્ણય લીધો છે. આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ તેઓ પોતાના મત વિસ્તારમાં રોડ-રસ્તાના કામો માટે કરી શકશે. હવે મહિલા ધારાસભ્યોને વાર્ષિક રૂા.2.75 કરોડની ગ્રાન્ટ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની ચાર વિધાનસભા બેઠક પૈકી બે બેઠકો પર મહિલા ધારાસભ્યો ચૂંટાય આવ્યા છે. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા હાલ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. જ્યારે રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ડો.દર્શિતાબેન શાહ રેકોર્ડબ્રેક લીડ સાથે વિજેતા બન્યા છે. રાજકોટને વિશેષ અઢી કરોડની ગ્રાન્ટ મળશે. જેનો ઉપયોગ રોડ-રસ્તાના કામો માટે કરી શકાશે.