મકાન પાસે ઉકરડો કરવાના પ્રશ્ને પોલીસમાં થયેલી ફરિયાદના કારણે નવ શખ્સોએ કુહાડી અને લાકડીથી ખૂની હુમલો કર્યો
ગઢડા તાલુકાના રાજપીપળા ગામે મકાન પાસે ઉકરડો કરવાના પ્રશ્ર્ને પાડોશી પરિવાર વચ્ચે ચાલતા વિવાદ અંગે પોલીસમાં થયેલી ફરિયાદના કારણે નવ શખ્સોએ કુહાડી અને લાકડીથી કરેલા હુમલામાં મહિલા સહિત સાત ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે નવ શખ્સો સામે ખૂની હુમલા અંગે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજપીપળા ગામના લક્ષ્મણ ગભા સાપરા, ગોવિંદ મકોડ સાપરા, સાજણ વશરામ સાપરા, ભરત સાજણ સાપરા, લાખા ગભા સાપરા, અરજણ જીણા સાપરા, રામા મકોડ સાપરા, તેજા મકોડ સાપરા અને ગોકુલ નાથા સાપરા નામના શખ્સોએ એક સંપ કરી કુહાડી અને લાકડીથી હિતેશ સાતાભાઇ શેફાતરા, લક્ષ્મણભાઇ, ભીમાભાઇ, ભરતભાઇ, રઘુભાઇ, કલુબેન લક્ષ્મણભાઇ અને રાણાભાઇ રેવાભાઇ શેફાતરા પર હુમલો કર્યાની હિતેશભાઇ સાતાભાઇ શેફાતરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સાજણભાઇ સાપરા અને લક્ષ્મણભાઇ શેફાતરાનો પરિવાર બાજુ બાજુમાં રહે છે. બંને વચ્ચે મકાન પાસે ઉકરડો બનાવવાના પ્રશ્ર્ને થયેલા ઝઘડા અંગે પોલીસમાં થયેલી ફરયિાદના કારણે કુહાડી અને લાકડીથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.એસ.આઇ. વી.વી.પંડયા સહિતના સ્ટાફે નવ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.