ગઢડીયા(જસ) ગામે મેલડી માતાજીના મંદિરે દર્શન કરી બે મિત્રો પરત આવતા સર્જાઈ કરૂણાંતીકા
જસદણ તાલુકાના બાખલવડ ગામના ધર્મેશ હરેશભાઈ ઉર્ફે હરિભાઈ ડાંગર(ઉ.વ.20) ને અજાણ્યા કારના ચાલકે હડફેટે લઈ મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતના બનાવમાં જસદણ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. જે અકસ્માતના બનાવમાં જસદણ પોલીસે અકસ્માત સર્જનાર જસદણના કાર ચાલકને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, જસદણના બાખલવડ ગામે રહેતો ધર્મેશ ડાંગર અને અન્ય એક યુવાન ગત રવિવારે સવારે ગઢડીયા(જસ) ગામે આવેલ મેલડી માતાજીના મંદિરે ચાલીને દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત કોઈ વાહન ન મળતા બન્ને મિત્રો ચાલીને જ બાખલવડ આવી રહ્યા હતા. ત્યારે બાખલવડ ગામ નજીક ખાતરના ગોડાઉન પાસે પહોંચતા પુરપાટ ઝડપે નીકળેલી બ્રેઝા કારના ચાલકે રોડની સાઈડમાં ચાલતા ધર્મેશ ડાંગરને હડફેટે લઈ રોડ પર ફંગોળી દીધો હતો અને અજાણ્યો કાર ચાલક પુરપાટ ઝડપે નાસી છૂટ્યો હતો.
જો કે અન્ય રાહદારી વાહન ચાલકો એકત્ર થતા ધર્મેશને ગંભીર હાલતમાં જ જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જયાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જયાં સારવારમાં ધર્મેશે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. આ બનાવમાં જસદણ પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા કાર ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. આ અકસ્માતના બનાવમાં પોલીસે જસદણના હરેશ ઉર્ફે હરી વેલજીભાઈ હીરપરા નામના શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.