રશિયાથી ક્રૂડની આયાત, ફાયદાનો વેપાર
એક વર્ષ અગાઉ ક્રૂડની કિંમત 100 ડોલરથી વધુ હતી, જે મે મહિનામાં 70 ડોલર અને જૂન મહિનામાં 68 ડોલર રહી
રશિયાથી ક્રૂડની આયાત એ ભારત માટે ફાયદાનો વેપાર સાબિત થયો છે. આંતરરાષ્ટ્રીય બજારના પ્રમાણમાં ભારતને રશિયાનું ક્રૂડ 20 ટકા સસ્તું મળે છે. જેને પરિણામે ભારતને આયાત બીલમાં રાહત મળી રહી છે. ઉપરાંત ચુકવણું ડોલરમાં થતું ન હોય તેનો પણ ફાયદો ભારતને થાય છે.
જૂન મહિનામાં ભારતમાં રશિયન ક્રૂડની સરેરાશ કિંમત એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં રશિયાના યુક્રેન પરના આક્રમણ પછી સૌથી ઓછી હતી. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના તાજેતરના આંકડાઓ અનુસાર, નૂર ખર્ચ સહિત પ્રત્યેક બેરલની કિંમત 68.17 ડોલર હતી, જે મે મહિનામાં 70.17 ડોલર અને એક વર્ષ અગાઉ આ જ કિંમત 100.48 ડોલર હતી. જો કે રશિયા પર પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા લાદવામાં આવેલી 60 ડોલરની પ્રાઈઝ કેપ કરતા તે વધારે છે,
યુદ્ધ પછી ચીનની સાથે ભારત સસ્તા રશિયન ક્રૂડના વિશ્વના ટોચના ગ્રાહકોમાંનું એક બની ગયું છે. ડેટા દર્શાવે છે કે છેલ્લા બે મહિનામાં ભારતીય આયાતમાં ઘટાડો થયો છે, ઑગસ્ટમાં પ્રવાહમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.
ભારત સામાન્ય રીતે નૂર, વીમો અને અન્ય પરચુરણ ખર્ચ સહિત ડિલિવરીના આધારે રશિયન ક્રૂડ ખરીદે છે. તે વિક્રેતાને ક્રૂડના પરિવહન સાથેના તમામ લોજિસ્ટિક્સ અને જોખમોને સંભાળવા માટે છોડી દે છે, પછી ભલે તે શિપમેન્ટ પ્રાઇસ કેપની નીચે અથવા ઉપર હોય.
જૂનમાં ઇરાકમાંથી આયાત થતા ક્રૂડની સરેરાશ 67.10 ડોલર પ્રતિ બેરલ હતી, જ્યારે સાઉદી અરેબિયામાંથી આયાત થતા ક્રૂડની કિંમત 81.78 ડોલરની વધુ હતી. ભારત તેની તેલની માંગની 88% જરૂરિયાતોને પહોંચી વળવા આયાત પર નિર્ભર છે.
ભારતના તેલ પ્રધાન હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે રશિયન ક્રૂડ પર ડિસ્કાઉન્ટ સંકુચિત થઈ ગયું છે. રશિયા અને સાઉદી અરેબિયાએ બજારને આગળ વધારવા માટે સપ્લાય કર્બ્સનું વચન આપ્યા પછી તાજેતરના અઠવાડિયામાં વૈશ્વિક બેન્ચમાર્ક ભાવમાં વધારો થયો છે.