પોલીસ બંદોબસ્ત હેઠળ જુદી જુદી બે ટીમ દ્વારા પંચેશ્વર ટાવર- પંડિત નહેરુ માર્ગ સહિતના વિસ્તારમાં કામગીરી શરૂ કરાઈ
જામનગર, સાગર સંઘાણી
જામનગર શહેરના રસ્તે રઝળતા ઢોરની સમસ્યા ખૂબ જ વધી ગયા પછી તેમજ અનેક ફરિયાદો ઉઠ્યા પછી આખરે આજથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરીનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે, અને શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ પહેરા હેઠળ અલગ અલગ બે ટીમોને દોડતી કરવામાં આવી છે.
શહેરના પંચેશ્વર ટાવર વિસ્તાર, હવાઈ ચોક, ખંભાળિયા ગેઇટ, રણજીત રોડ, શાકમાર્કેટ વિસ્તાર, ઉપરાંત પંડિત નહેરૂ માર્ગ, શરૂ સેક્શન રોડ સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં ઢોર માર્ગો પર આવી જતા હોવાથી વાહન ચાલકોને પરેશાની વેઠવી પડે છે, અને તે અંગેની અનેકવિધ રજૂઆતો મહાનગરપાલિકાને મળી છે. જેના અનુસંધાને ઢોર પકડવાની કામગીરીનો આજથી પૂન: પ્રારંભ કરવામાં આવ્યો છે.
જે કામગીરી દરમિયાન ઢોર માલિકો સાથે સંઘર્ષ ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, અને પોલીસ પહેરા હેઠળ સમગ્ર કામગીરી ચલાવવામાં આવી રહી છે.
જે તમામ ઢોરને પકડી લીધા પછી તેઓને અમદાવાદની પાંજરાપોળમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં ૧,૪૦૦થી વધુ ઢોર એકત્ર કરીને રાખવામાં આવ્યા છે. જે તમામને પણ અમદાવાદની ગૌશાળામાં મોકલવાનો પ્રારંભ થઈ રહ્યો છે.