સમાધાન માટે વકીલ રાખતા સાઢુ ભાઈના પિતરાઈ ભાઈઓ ધોકા વડે તૂટી પડ્યા
શહેરમાં કનકનગર વિસ્તારમાં રહેતો યુવાન ચુનારાવાડ વિસ્તારમાં હતો ત્યારે સાઢુભાઈના સમાધાનમાં વચ્ચે પડયાનો ખાર રાખી સાઢુભાઈના ભાઈઓએ યુવાન ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કનકનગરમાં રહેતા સુશીલ બાબુભાઈ સોલંકી નામનો 35 વર્ષનો યુવાન રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં ચુનારાવાડ વિસ્તારમાં હતો ત્યારે સંદીપ, મહેશ અને વિશાલ સહિતના શખ્સો ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત સુશીલ સોલંકીના સાઢુભાઈ શશી અને તેની સાળી પૂજાબેન વચ્ચે અણબનાવ બનતા સાળી પૂજાબેન મોરબી રોડ ઉપર રહેતા માવતરે રિસામણે ચાલી આવી હતી. બાદમાં સાઢુ શશી સોલંકી અને સાળી પૂજાબેનનું સમાધાન માટે સુશીલ સોલંકીએ વકીલ રાખી દીધો હતો. જે અંગે શશીના કૌટુંબિક ભાઈઓને સારૂ નહીં લાગતા હુમલો કરી માર માર્યો હોવાનો અને આઠ દિવસ પહેલા પણ સાઢુભાઈ શશીના ભાઈઓએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.