સુરત મહાપાલિકા અને અલગ અલગ 18 પાલિકાની 29 બેઠકો માટે યોજાશે ચુંટણી
રાજયની સુરત મહાનગરપાલિકા અને અલગ અલગ 18 મહાનગરપાલિકાઓ પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો માટે આગામી રવિવારના રોજ મતદાન યોજાવાનું છે. દરમિયાન આજે સાંજે પ્રચારના ભુંગળાઓ શાંત થઇ જશે આગામી રવિવારે મતદાન અને મંગળવારે મતગણતરી યોજાશે.
રાજકોટ અને સુરત મહાનગરપાલિકામાં ખાલી પડેલી 3 બેઠકો માટે ચુંટણી યોજાવાની હતી. દરમિયાન હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવતા રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. 1પની બે બેઠકોમાંની પેટા ચુંટણી સ્થગીત કરવામાં આવી છે. સુરતની એક બેઠક ઉપરાંત ભાવનગર, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પોરબંદર, પાટણ, મહેસાણા, ખેડા, કચ્છ, ગીર સોમનાથ અને પંચમહાલ સહિત 18 નગરપાલિકાની 29 બેઠકો માટે આગામી રવિવારે સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચુંટણી પંચના નિયમ અનુસાર મતદાન પૂર્ણ થવાના 48 કલાક પૂર્વ પ્રચાર-પ્રસાર બંધ કરી દેવાનો રહે છે. આજે સાંજે 6 કલાકે જયાં પેટા ચુંટણીનું મતદાન થવાનું છે. ત્યાં પ્રચાર પડઘમ શાંત થઇ જશે.
જો કે એકપણ સ્થળે પેટા ચુંટણીના પરિણામાંથી સત્તા સમિકરણો પર કોઇ અસર થવાની નથી. સામાન્ય રીતે મતદારોને પણ પેટા ચુંટણીમાં બહુ રસ હોતો નથી મતદાનની ટકાવારી પણ ઓછી રહી છે.રવિવારે મતદાન પૂર્વ થયા બાદ એક દિવસ અર્થાત સોમવારનો દિવસ જો જરુર જણાય તો પુન: મતદાન માટે અનામત રાખવામાં આવ્યો છે. મંગળવારે સવારે આઠ કલાકથી મતગણતરી હાથ ધરવામાં આવશે.