મોરબી, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ
સૌરાષ્ટ્રમાં એક સપ્તાહ સુધી મેઘ વિરામ જેવો માહોલ રહ્યા બાદ આજે સવારથી ફરી મેઘાવી માહોલ છવાયો છે. રાજકોટમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી સુરત, નર્મદા, પંચમહાલ, તાપી, મોરબી, દાહોદ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભરૂચ જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 47 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ અર્ધો ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. એક મહિનામાં ખૂબ જ સારો વરસાદ પડવાના કારણે રાજ્યના 207 પૈકી 63 જળાશયો છલકાય ગયા છે. જ્યારે 126 જળાશયો હાઇ એલર્ટ પર છે. આજ સુધીમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 79.45 ટકા વરસાદ વરસી ગયો છે.
કચ્છ રિજીયનમાં 135.78 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.73 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.22 ટકા, સૌરાષ્ટ્રમાં 109.33 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 69.66 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં એક સપ્તાહથી મેઘ વિરામ જેવો માહોલ રહ્યો હતો. દરમિયાન આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યનાં 6 તાલુકાઓ એવા છે. જ્યાં 10 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. જ્યારે 93 તાલૂકાઓમાં 10 થી લઇ 20 ઇંચ સુધી, 106 તાલુકાઓમાં 20 થી લઇ 40 ઇંચ સુધી જ્યારે 46 તાલુકાઓમાં 40 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. આજે સવારથી સર્વત્ર મેઘાવી માહોલ છવાયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
ભાદર ડેમ 13 દિવસથી સતત ઓવરફલો
સૌરાષ્ટ્રમાં છેલ્લા એકાદ સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ છલકાતા નદી નાળાના કારણે જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. જેના કારણે ભાદર-1 ડેમ છેલ્લા 13 દિવસથી સતત ઓવર ફલો થઇ રહ્યો છે. ડેમનો એક દરવાજો ખુલ્લો રાખી પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મોજ, ફોફળ, વેણુ-ર, આજી-1, આજી-ર, આજી-3, સોડવદર, સુરવો, ડોંડી, ગોંડલી, વાછપરી, ન્યારી-ર, લાલપરી, છાપરવાડી-1, છાપરવાડી-ર, ઇશ્ર્વરીયા અને ભાદર-ર ડેમ ઓવરફલો થઇ રહ્યા છે. આ ઉપરાંત ડેમના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. મોરબીનો મચ્છુ-1 ડેમ અને મચ્યુ-3 ડેમ પણ ઓવરફલો થઇ રહ્યો છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના રર પૈકી ર1 ડેમ ઓવર ફલો થઇ ગયો છે. દેવભુમિ દ્વારકા જિલ્લાના 1ર પૈકી 9 જળાશયો અને સુરેન્દ્રનગર જિલ્લાના ચાર ડેમ ઓવરફલો થઇ ગયા છે.
આગામી પાંચ દિવસ રાજયમાં છુટાછવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. તો આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી વરસાદની નહિવત અસર પણ જોવા મળી શકે છે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહે તેવી સંભાવના છે. ભારે પવન અને વરસાદને કારણે 5 દિવસ ફિશરમેન દરિયો ન ખેડવા માટે વોર્નિંગ આપવામાં આવી છે.