મેરઠના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ આજે સ્પીકર તરીકે હાજર રહ્યા : કાર્યવાહી શરૂ થતાં વેંત જ ફરી હંગામો થતા 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત
લોકસભાના સ્પીકર ઓમ બિરલા સતત હોબાળાના કારણે નારાજ થયા છે. તેઓ ગઈકાલે પોતાની ખુરશી ઉપરથી હટી ગયા બાદ આજે ગૃહમાં જ આવ્યા ન હતા. મેરઠના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ આજે લોકસભામાં સ્પીકર તરીકે હાજર રહ્યા હતા. બીજી તરફ અધીર રંજને તેમને ઓમ બિરલાને સમજાવવા વિનંતી કરી હતી.
આજે એટલે કે 3 ઓગસ્ટે સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ છે, પરંતુ મણિપુર મુદ્દે થયેલા હોબાળાને કારણે કાર્યવાહી ચાલી રહી નથી. સ્પીકર ઓમ બિરલા પણ નારાજ છે. તેઓ આજે સતત બીજા દિવસે ગૃહમાં પહોંચ્યા ન હતા. સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાંની સાથે જ રાજેન્દ્ર અગ્રવાલે તેમના સ્થાને સ્પીકરની બેઠકની અધ્યક્ષતા કરી હતી. થોડા સમય પછી, વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ અગ્રવાલ સાથે બિરલા વિશે વાત કરી.
કહ્યું કે તેઓ અમારા આશ્રયદાતા છે, અમે તેમના અનુયાયી છીએ, અમારી અપીલ છે કે તેઓ પાછા આવે.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી, એનસીપી સાંસદ સુપ્રિયા સુલે, એનકે પ્રેમચંદ્રન, બસપાના રિતેશ પાંડે, ભાજપના રાજેન્દ્ર અગ્રવાલ, ટીએમસી સાંસદ સૌગતા રોય, એનસીપી સાંસદ ફારૂક અબ્દુલ્લા અને ડીએમકે સાંસદ કનિમોઝી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળ્યા હતા. સાંસદોએ લોકસભા સ્પીકરને ગૃહની કાર્યવાહીમાં હાજર રહેવા અપીલ કરી હતી.
હંગામાને કારણે ઓમ બિરલા છેલ્લા બે દિવસથી ગૃહમાં આવી રહ્યા નથી. આજે પણ લોકસભામાં કામકાજ થઈ શક્યું ન હતું અને બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. દિલ્હી ઓર્ડિનન્સ બિલ પર લોકસભામાં ચર્ચા થવાની છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પણ રજૂ કરવામાં આવનાર છે.
મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખરને પૂછ્યું કે તેઓ મણિપુર મુદ્દા પર ચર્ચાની માંગ કરવા બદલ પીએમનો બચાવ કેમ કરી રહ્યા છે. આના જવાબમાં ધનખરે કહ્યું, ’મારે પીએમનો બચાવ કરવાની જરૂર નથી. હું અહીં કોઈનો બચાવ કરવા બેઠો નથી. હું અહીં બંધારણ અને તમારા અધિકારોની રક્ષા કરવા બેઠો છું. તમારી તરફથી આવી વાત પ્રશંસનીય નથી.
લોકસભા સ્પીકર ઓમ બિરલા 2 ઓગસ્ટે પોતાની ખુરશી પર બેઠા ન હતા. લોકસભામાં વિપક્ષી સાંસદોના સતત હંગામાથી તેઓ નારાજ હતા, તેથી તેમણે ગૃહમાં આવવાની ના પાડી દીધી હતી. તેમના સ્થાને આંધ્ર પ્રદેશના રાજમપેટના સાંસદ પીવી મિધુન રેડ્ડીએ લોકસભાની કાર્યવાહી સંભાળી હતી.