ધ્રોલના હાડાટોડા ગામના વતની
ભારતીય સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું: અંતિમયાત્રામાં રાજકીયઅગ્રણીઓ, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ-વેપારીઓ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા
બહાદુર અને વીરોની ધરતી એવીહાલારના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના અને ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન રવિન્દ્રસિંહ એ પંજાબના ભટીંડા ખાતે સેનામાં ફરજ બજાવતા દેશ સેવા કરતાં કરતાં ચાલુ ફરજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો પાર્થિવ દેહ ધ્રોલ ખાતે લયાવવામાં આવ્યો હતો ધ્રોલ તાલુકાના હાડાટોડાના રવિન્દ્રસિંહ અનુભા જાડેજા ઉ.વ. 32ની છેલ્લા 11 વર્ષથી દેશની રક્ષા કાજે ભારતીય સેનાના ઇએમઇ પાંખમાં કાર્યરત હતા જેમની અંતિમ યાત્રા ધ્રોલ ખાતેથી જવાનના વતન હાડાટોડા ગઈ હતી. અંતિમ યાત્રામાં જવાનને શ્રધ્ધાંજલી અર્પણ કરવા અસંખ્ય લોકો જોડાયા હતા. અસંખ્ય કાર અને બાઇક સાથેના વાહનો જોડાતા બે કિલોમીટર જેટલી લાંબી અંતિમયાત્રા નિકળી હતી. ધ્રોલ માંથી અંતિમ યાત્રા પસાર થઈ ત્યારે વેપાર ધંધા બંધ રાખી વેપારીઓએ જવાનને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
વીર જવાનની અંતિમ યાત્રા હાડાટોડા ગામે પહોંચી ત્યારે સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. આખું ગામ હિબકે ચડ્યું હતું. ભારતીય સેનાનાં જવાનો દ્વારા પુરા સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપવા માં આવી હતી. વીર જવાનને શ્રધ્ધાંજલી અર્પણ કરવા તેમજ અંતિમ યાત્રામાં માજી સૈનિક મંડળ, સેનાનાં નિવૃત જવાનો, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, રાજપુત યુવા સંઘના અગ્રણી પી.ટી. જાડેજા, 76 કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જામનગર મૈયર બિનાબેન, લખધીરસીહ જાડેજા, દિલીપભાઈ ભોજાણી, ધ્રોલ તાલુકા પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા, પોલુભા જાડેજા, સહિત ક્ષત્રિય સમાજ ના આગેવાનો વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રવિન્દ્રસિંહના પરિવારમાં માતા, પિતા, પત્ની, નાનોભાઇ જે પણ દેશની સેવામાં એસ.એસ. બીમાં ફરજ બજાવે છે. પરિવારનો આધારસ્તંભ છીનવાતા નાના એવા પરિવારમાં કલ્પાંત વ્યાપી ગયો હતો.