પોલીસની રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ વચ્ચે વાહન ચાલકો બેફામ
નાણાવટી ચોકમાં પૂરપાટ ઝડપે દોડી આવેલા કાર ચાલકે વિદ્યાર્થીને ઉડાડી પગ ભાંગી નાખ્યાં
અમદાવાદમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોના ભોગ લીધા બાદ પોલીસ દ્વારા રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હોવા છતાં પણ વાહન ચાલકો બેફામ બની ગયા હોય તેમ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં રાજકોટમાં પણ ગઇ કાલે ઇસ્કોન જેવો ગોઝારો અકસ્માત થતાં અટક્યો છે. જેમાં નશામા ધૂત નબીરાએ કાર ડીવાઈડર પર ચડાવી દીધી હતી. તો અન્ય બનાવમાં નાણાવટી ચોકમાં બેફામ સ્પીડમાં જતા કાર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લઈ પગ ભાંગી નાખ્યાં હતા. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા છતાં વાહન ચાલકોની સ્પીડ પર લગામ લગાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ભીડભાડ વાળા વિસ્તાર એવા મવડી મેઇન રોડ પર આનંદ બંગલા ચોકમાં ગઇ કાલે રાત્રીના પસાર થઈ રહેલી જીજે ૦૩ કેસી ૩૫૦૫ નંબરવાળી મહિન્દ્રા એસ્યુવી કાર પૂરપાટ ઝડપે આવીને ડીવાઈડર સાથે અથડાય હતી. અકસ્માત અંગેની જાણ માલવિયાનગર પોલીસ મથકમાં થતા જમાદાર મસરીભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
જ્યાં પોલીસે તપાસ કરતા કારનો ચાલક લથડતો હોવાનું અને નશામા ધૂત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પ્રાથમિક પૂછતાછ કરતાં કારનો ચાલક જીવરાજ પાર્ક પાસે અંબિકા ટાઉનશિપ ખાતે રહેતો અમિત વશરામ કથીરિયા હોવાનું સામે આવ્યું હતું. નશામા ધૂત નબીરાએ ડીવાઈડર સાથે કાર અથડાવી તે પહેલાં લોધાવાડ ચોક અને ગોંડલ રોડ પર ટુ વ્હિલરને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. જેનું સંતુલન લથડાતા આખરે કાર આનંદ બંગલા ચોકમાં ડીવાઈડર સાથે અથડાય હતી. ના કરે નારાયણ અને નશામા ધૂત નબીરો કોઈ ટોળામાં કે અન્ય સ્થળે ધૂસી ગયો હોત તો ઇસ્કોન જેવી ઘટના રાજકોટમાં નીપજી હોત તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
જ્યારે અન્ય બનાવમાં રેલનગર પાસે રહેતો અને ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરતો ધ્રુવ ભારતભાઈ ભટ્ટ (ઉ.વ.૧૯) ગત તા.૨૫મી જુલાઈના રોજ શાળાએથી એક્ટિવા પર પોતાના ઘરે જતો હતો ત્યારે નાણાવટી ચોક પાસે પટેલ વિહાર રેસ્ટોરન્ટ સામે પૂરપાટ ઝડપે દોડી આવેલી જીજે ૦૩ એલજી ૩૧૧૪ નંબરના કાર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી ગયો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
પ્રજાના રક્ષક પોલીસ કર્મીએ જ ઢીંગલી થઇ સાયકલ સવાર કિશોરીને અડફેટે લીધી’તી
રાજકોટમાં થોડા દિવસ પહેલા એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પોલીસકર્મી કારચાલકે રાજકોટમાં સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના ગેટ પાસે સાયકલ સવાર કિશોરીને અડફેટે લઇ લીધી હતી. આ ઘટનામાં ૧૭ વર્ષીય સાયકલ સવાર કિશોરીને કારે હવામાં ફંગોળી હતી. બાદમાં અકસ્માત નજરે જોનારા લોકોએ સમગ્ર ઘટનામાં કહ્યું કે, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારચાલક પોલીસકર્મી નશામાં ધૂત હતો અને નશો કરીને કાર હંકારી રહ્યો હતો. તેના કારણે ૧૭ વર્ષીય કિશોરીને અડફેટે લીધી હતી. જોકે, સદનસીબે કિશોરીને મોટી ઇજા થઇ ન હતી. આ કારચાલક પોલીસકર્મીનું નામ લક્ષ્મીનારાયણ વ્યાસ છે અને તે ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં ફરજ બજાવી રહ્યો હોવાનું બહાર આવ્યુ છે.
અકસ્માત બાદ ભોગ બનનાર કિશોરીના ભાઇએ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં તેને પોલીસકર્મી નશો કરેલી હાલતમાં કાર હંકારી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે, હવે સવાલ એ થાય છે કે નશાની હાલતમાં બેફામ બનેલા કાર ચલાવનાર પોલીસકર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે લોકોના રક્ષક જ ગંભીર ગુનાઓને અંજામ આપે તો પ્રજાની રક્ષા કોણ કરશે તેવા સવાલો પણ ઉઠી થયા છે.
એક સપ્તાહમાં બેપરવાહ વાહન ચાલકો સામે કાર્યવાહી
ડ્રીંક & ડ્રાઇવ :- ૨૭૨૩ કેસ
ઓવર સ્પીડ :- ૨૦,૭૨૩ કેસ
મોટર વ્હીલ એક્ટ :- ૧૪૫૦ કેસ
જોખમકારક સ્ટંટ :- ૩૬૫ કેસ
ગફલત રીતે વાહન ચલાવતા :- ૪૮૬૫ કેસ