બાઈક ધીમે ચલાવવા બાબતે ટપારતા હિસ્ટ્રીસિટર શખ્સ ઘરમાં ઘૂસી છરી વડે તૂટી પડ્યો
પોલીસ પકડી જશે તેવા ડરથી આરોપીએ પેટ્રોલ છાંટી અગન પછેડી ઓઢી લીધી
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ કથળાઈ રહી હોય તેવી રીતે સામાન્ય બાબતે હત્યા હત્યાની કોશિશ સહિતના બનાવો સામે આવી રહ્યા છે તેવી જ રીતે રાજકોટના લોકો સોસાયટીમાં ગઈકાલે રાત્રિના વાહન ધીમે ચલાવવા બાબતે ટપારતા હિસ્ટ્રીસિટર શખ્સે બે યુવતી સહિત ત્રણ પર છરી વડે હુમલો કર્યો હતો. એટલું જ નહિ ત્યાર બાદ પોલીસે પકડી જશે તેવા ડરથી પોતે પેટ્રોલ છાંટી જાત જલાવતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ લોથે સોસાયટીમાં શેરી નંબર -૭માં રહેતા નિલેશ ઉર્ફે રાકેશ મનોજભાઈ સાગઠીયા નામના ૩૩ વર્ષીય યુવાને તેના જ પાડોશમાં રહેતા દિનેશ ઉર્ફે કાળિયો બાબુ પવાર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં જણાવ્યા મુજબ ગઇ કાલે રાત્રીના ફરિયાદી નિલેશ પોતાના પુત્ર સમીર સાથે શેરીમાં હતો ત્યારે દિનેશ ઉર્ફે કાળિયો પોતાનું વાહન લઇને પૂરપાટ ઝડપે નીકળ્યો હતો જેથી નીલેશે તે બાબતે તેને ટપાર્યો હતો.
જેથી ઉશ્કેરાયેલા દિનેશ ઉર્ફે કાળિયોએ છરી વડે નિલેશના ઘરમાં ઘૂસી તેના પર હુમલો કર્યો હતો. એટલું જ નહિ હુમલા બાદ રાડારાડી થતા પાડોશમાં રહેતા ઉષાબેન દીપકભાઈ ઝરીયા (ઉ.વ.૩૦) અને તેના ભાભી પૂજાબેન ગોવિંદભાઈ ઝરીયા (ઉ.વ.૨૧) ત્યાં આવી જતા દિનેશ ઉર્ફે કાળિયાએ તેમના પર પણ છરી વડે તૂટી પડતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટલું જ નહિ પરંતુ બહાર પડલી રીક્ષામાં પણ તેને તોડફોડ કરી હતી.
તો બીજી તરફ ઘટનાના પગલે તાત્કાલિક માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી જતા હુમલાખોર દિનેશ ઉર્ફે કાળિયો પોલીસ પકડી જશે તેવા ડરથી પોતે પેટ્રોલ છાંટી જાત જલાવતા તેને પણ ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની નોંધ કરી દિનેશ ઉર્ફે કાળિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.