ક્રિકેટ મેચ જોવા ગયા બાદ ચાર મિત્રો નાહવા પડ્યા: બે કિશોરના મૃતદેહ મળી આવ્યા
મોરબીમાં લાપતા બનેલા બે કિશોરોના રેલવે સ્ટેશન પાછળ પાણીના ખાડામાંથી મૃતદેહ મળી આવ્યા છે.જો કે બન્ને કિશોર મેચ જોવા ગયા બાદ મિત્રો સાથે નાહવા ગયા હતા અને પાણીના ખાડામાં ગુમ થયા હતા. ત્યાર બાદ ફાયર વિભાગના સ્ટાફે મહજહેમતે બંને બાળકોના મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ આ મામલે બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં વીસિપરા વિસ્તારમાં રહેતા સાહિલ સંજયભાઈ સેખાણી (ઉ.વ.૧૭) અને તેનો મિત્ર જેસિંગ પ્રફુલભાઈ ધોળકિયા (ઉ.વ.૧૪) બંને રવિવારના રોજ ઘરેથી મેચ જોવા જવાનું કહીને નીકળ્યા હતા. ત્યારે બાદ મેચ જોતા પછી બંને મિત્રો અન્ય બે મિત્રો સાથે રેલવે સ્ટેશન પાસે બૌધનગરમાં પાણીના ખાડામાં નાહવા ગયા હતા.
ત્યાર બાદ સાહિલ અને જેસિંગ બંને પાણીના ખાડામાં ગરકાવ થઈ ગયા હતા. મોડે સુધી ઘરે ન આવતા બંને બાળકોના પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. તે દરમિયાન પાણીના ખાડા પાસેથી બાઈક મળી આવ્યા બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ મહાજહેમત બાદ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢી પોલીસે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક સાહિલ ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે અને તેના પિતા પ્લંબીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાહિલ બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો. જ્યારે તેના મિત્ર જેસિંગ ધોરણ -૯માં અભ્યાસ કરે છે અને પિતા પ્રફુલભાઈ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે બે ભાઈમાં મોટો હોવાનું સામે આવ્યું છે. બંને મિત્રોના એકસાથે અકાળે મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.