આગામી 7 વર્ષમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરશે
હાલ દેશમાં માથાદીઠ આવક રૂ. 2 લાખ, વર્ષ 2030 સુધીમાં તે વધીને રૂ. 3.28 લાખે પહોંચશે, ગુજરાતની માથાદીઠ આવક રૂ. 4.92 લાખને આંબી જશે
ગુજરાત અત્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. જેને કારણે આગામી 7 વર્ષમાં માથાદીઠ આવકમાં અત્યારે ટોપ-5માં પણ ન આવતું ગુજરાત અવ્વલ નંબરે પહોંચવાનું છે. અંદાજ મુજબ 2030માં ગુજરાતની માથાદીઠ આવક 4.92 લાખને આંબવાની છે.
દેશની માથાદીઠ આવક નાણાકીય વર્ષ 2023માં 2 લાખથી વધી નાણાકીય વર્ષ 2030 સુધીમાં 4.92 લાખ થવાની ધારણા છે, વધતી માથાદીઠ આવક ભારતને 6 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે મધ્યમ આવક ધરાવતી અર્થવ્યવસ્થા બનવામાં મહત્વનો હિસ્સો પ્રદાન કરશે.
માથાદીઠ આવક/જીડીપી નાણાકીય વર્ષ 2001માં 460 ડોલરથી વધીને નાણાકીય વર્ષ 2011માં 1,413 ડોલર અને નાણાકીય વર્ષ 2021માં 2,150 ડોલર થઈ ગઈ છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે સપ્તાહાંતના અહેવાલમાં જણાવ્યું હતું કે સૌથી મોટો વિકાસ ચાલક બાહ્ય વેપાર હશે જે નાણાકીય વર્ષ 2023માં 1.2 ટ્રિલિયન ડોલરથી 2030 સુધીમાં 2.1 ટ્રિલિયન ડોલર થઈ શકે છે, જ્યારે જીડીપી 3.5 ટ્રિલિયન ડોલર છે.
અહેવાલ મુજબ, બીજા સૌથી મોટા વૃદ્ધિ ચાલક સ્થાનિક વપરાશ હશે જે નાણાકીય વર્ષ 2030 સુધીમાં 3.4 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે – જે લગભગ જીડીપીના વર્તમાન કદ જેટલું મોટું છે – જે નાણાકીય વર્ષ 2023 માં 2.1 ટ્રિલિયન ડોલર હતું.
ગયા અઠવાડિયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ તેમના આગામી કાર્યકાળ દરમિયાન અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બને તે સુનિશ્ચિત કરશે, જે તેને યુએસ અને ચીન પછી ત્રીજું સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. હાલમાં જાપાન ત્રીજા અને જર્મની ચોથા ક્રમે છે.
હાલમાં, ઘરગથ્થુ વપરાશ ખર્ચ જીડીપીના 57 ટકા છે. કામકાજની ઉંમરની વસ્તીનું ઊંચું પ્રમાણ સર્વોચ્ચ વૃદ્ધિના ચાલક તરીકે ચાલુ રહેશે. 2020માં કામકાજની વયની વસ્તીમાં દેશનો હિસ્સો વધીને 64.8 ટકા, 2040માં નજીવો ઘટીને 63.6 ટકા અને 2050માં 61.1 ટકા થવાની ધારણા છે.
અત્યારે તેલંગણા સૌથી આગળ, બીજા ક્રમે કર્ણાટક
હાલમાં, તેલંગાણા રૂ. 2,75,443ની માથાદીઠ આવક સાથે સૌથી આગળ છે, ત્યારબાદ કર્ણાટક કે જે રૂ. 2,65,623ની માથાદીઠ આવક ધરાવે છે. ત્રીજા નંબરે તમિલનાડુ જે રૂ. 2,41,131 માથાદીઠ આવક ધરાવે છે. ત્યારપછી કેરળ અને આંધ્ર પ્રદેશ આવે છે. આમ અત્યારે ટોપ 5માં ગુજરાત આવતું ન હોવાનું રિપોર્ટમાં નોંધાયુ છે.
ગુજરાતનો વિકાસ તેલંગણા,મહારાષ્ટ્ર સહિતના તમામ રાજ્યોને પાછળ છોડી દેશે
સ્ટેન્સી રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2030 સુધીમાં ગુજરાતને અગ્રેસર તરીકે જોવામાં આવ્યું છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, હરિયાણા, તેલંગાણા અને આંધ્રપ્રદેશ આવે છે. જોકે, અન્ય ત્રણ રાજ્યોના નામનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ગુજરાત સહિતના 6 રાજ્યો દેશની જીડીપીમાં 20 ટકાનું યોગદાન આપે છે!
તેલંગાણા, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, ગુજરાત અને આંધ્ર આજે રાષ્ટ્રીય જીડીપીમાં 20 ટકા હિસ્સો ધરાવે છે આ તમામ રાજ્યો નાણાકીય વર્ષ 2030 સુધીમાં માથાદીઠ આવક 6,000 યુએસ ડોલર એટલે કે 4.92 લાખની હશે.
યુપી બિહારની માથાદીઠ આવક 2030માં 1.62 લાખથી પણ ઓછી રહેશે
યુપી અને બિહાર જે મોટા રાજ્યો છે. જે કુલ વસ્તીના 25 ટકા હિસ્સો ધરાવે છે, તેમની માથાદીઠ આવક નાણાકીય વર્ષ 2030માં 2,000 યુએસ ડોલર એટલે કે રૂ. 1.62 લાખ કરતાં ઓછી હશે.