ભારતની ક્રિકેટ ટીમના તમામ મહત્વની સ્પોન્સરશીપ ચાઈનીઝ કંપનીઓએ ખરીદી
માત્ર ભારતીય ર્અતંત્રમાં જ નહીં હવે ભારતીય રમત જગત ઉપર પણ ચાઈનીઝ ડ્રેગને ભરડો લેવાનું શરૂ કર્યું છે. હાલ ભારતીય ક્રિકેટ ટીમની તમામ મહત્વની સ્પોન્સરશીપ ચીનની કંપની પાસે છે. મેઈક ઈન ઈન્ડિયાની વાતો વચ્ચે ચીનની કંપનીઓએ એક રીતે ભારતીય ક્રિકેટ ટીમ પર અંકુશ મેળવી લીધો છે.
સ્પોર્ટ્સ માર્કેટિંગ ફર્મ બેઝલાઇન વેન્ચર્સના એમડી તુહિન મિશ્રાએ જણાવ્યું કે, ચીન હાલ ભારત અને વિશ્વના ક્રિકેટ પર નિયંત્રણ જમાવી રહ્યું છે. સ્વાભાવિક રીતે ભારત અને એશિયાના દેશો તેમના માટે ઘણું મોટું બજાર છે. એટલે ચાઇનીઝ કંપનીઓ આ વિસ્તારમાં એડ્ અને પ્રમોશન્સ પાછળ નાણાં ખર્ચવામાં આક્રમક બની છે. જેમ કે, ઓપો અને વિવોની હોલ્ડિંગ કંપની બીબીક ઇલેક્ટ્રોનિક્સ હાલ ભારતીય ક્રિકેટ ટીમ ઉપરાંત, IPLની સ્પોન્સર છે. ICCની સ્પોન્સરશિપ પણ તેમની પાસે છે. ભારતમાં રમાનારી તમામ ક્રિકેટ સિરીઝની ટાઇટલ સ્પોન્સરશિપ Paytmપાસે છે અને Paytmની સૌથી મોટી શેરધારક ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબા છે.
ઓપોએ મંગળવારે જ ક્રિકેટ ટીમની સ્પોન્સરશિપ અને ટીમ ઇન્ડિયાની જર્સી પર કંપનીનો લોગો દર્શાવવાનો હક મેળવવા પાંચ વર્ષ માટે ૧,૦૭૯ કરોડ ચૂકવ્યા છે, જે અત્યારની સ્પોન્સર સ્ટાર ઇન્ડિયા કરતાં બમણાથી પણ વધુ રકમ છે. જોકે, મીડિયા એજન્સી IPG મીડિયાબ્રાન્ડ્સ ઇન્ડિયાના સીઇઓ શશી સિંહાના જણાવ્યા અનુસાર આ બ્રાન્ડ્સ બજારમાં સ્થિતિ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકન, કોરિયન અને જાપાનીઝ કંપનીઓએ ભારતમાં વહેલા પ્રવેશી બ્રાન્ડ પ્રચલિત કરી છે. ચીનની કંપનીઓ હાલ બ્રાન્ડ બિલ્ડિંગનો પ્રયત્ન કરી રહી છે. આ કોઈ રમત કે બજાર પર અંકુશ મેળવવાનો નહીં, ભારતમાં ભરોસો ઊભો કરવાનો પ્રયાસ છે. ચીનની કંપનીઓ અન્ય રમતોમાં પણ રોકાણ કરે છે. જેમ કે, ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન હજુ ચીન માટે સ્વપ્ન રહ્યું છે, પણ ચીનની કંપનીઓ વિશ્વભરમાં ફૂટબોલ ક્લબ્સ અને સ્પોર્ટ્સ એસેટ્સ ખરીદે છે.