મિલેટ વર્ષની ઉજવણીને ઘ્યાનમાં રાખી બાજરી, જુવાર અને મકાઇના રોટલા, ખીચડી – કઢી અને રાજગરાના શીરા જેવી સાદી વાનગીઓ જ પિરસાય
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે પ્રવાસના અંતિમ દિવસે સવારે મહાત્મા મંદિર ખાતે સેમિક્રોન ઇન્ડિયા-2023મું ઉદધાટન કર્યુ હતું. ત્યારબાદ બપોરે અમદાવાદ સરકીટ હાઉસ ખાતે ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે ભોજન ગ્રહણ કર્યુ હતુ.
ગઇકાલે રાજકોટમાં 2033 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાજય સરકારના મંત્રી મંડળના સભ્યો સાથે એક બેઠક યોજી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. અલગ અલગ વિભાગના મંત્રીઓ પાસેથી તેઓના હસ્તક વિભાગની માહિતી મેળવવામાં આવી હતી. ગુજરાતમાં હાલ ચાલતા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હત. બજેટમાં જે પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી છે તે તમામ પ્રોજેકટ ઝડપથી શરુ થઇ જાય અને હાલ આવતા વિવિધ પ્રોજેકટ લોકસભાની ચુંટણીની આચાર સંહિતા અમલમાં આવે છે પૂર્વ પૂર્ણ થઇ જાય અને તેનું લોકોપર્ણ થઇ જાય તેવું આયોજન કરવા માટે પણ સુચના આપવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાજપના તમામ 156 ધારાસભ્યોને મળ્યા ન હોય આજે બપોરે અમદાવાદ સરકીટ હાઉસ ખાતે પીએમ દ્વારા ભાજપના ધારાસભ્યો અને રાજયસભા તથા લોકસભાના સાંસદો સાથે ભોજન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પીએમ સાથે તમામ ધારાસભ્યોની ઓળખાણ કરાવવામાં આવી હતી મંત્રી મંડળમાં માત્ર 16 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યોહોવાના કારણે છેલ્લા ઘણા સમયથી મંત્રી મંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે. દરમિયાન વડાપ્રધાનની મંત્રી મંડળના સભ્યો અને ત્યારબાદ ધારાસભ્યો સાથે ભોજન સમારોહ પછી હવે ફરી મંત્રી મંડળના વિસ્તરણની વાતોએ વેગ પકડયો છે.
મિલેટ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી હોય પીએમ સાથેના ધારાસભ્યો, સાંસદોના ભોજન સમારોહમાં બાજરી, જુવાર અને મકાઇના રોટલા પિરસવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાજરાની ખીચડી અને કઢી સાથે રાજગરાના લોટનો શીરો પીરસવામાં આવ્યો હતો.