ટીબીથી થતાં મોત મામલે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમાંકે : ફકત પાંચ માસમાં 60 હજાર નવા કેસ નોંધાયા
એક ચિંતાજનક અહેવાલમાં ગુજરાત ટીબીથી થતાં મોતની સંખ્યામાં દેશભરમાં ચોથા ક્રમે હોવાનું સામે આવ્યું છે. સંસદમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર ગુજરાતમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી મે માસ દરમિયાન જ 3190 લોકોના ટીબીના લીધે મોત નીપજ્યા છે. જે દેશભરમાં મૃત્યુઆંકમાં ચોથો ક્રમ ધરાવે છે. ટીબીથી થતાં મોત મામલે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સૌથી આગળ છે જે બાદ ચોથા ક્રમે ગુજરાત છે.
ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં યુપીમાં ટીબીના લીધે 8628, મહારાષ્ટ્રમાં 4,712 અને 4308 મોત નોંધાયા છે.
ચિંતાજનક બાબત છે કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ટીબીના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2020માં રાજ્યમાં 1,20,560 ટીબીના કેસ નોંધાયા હતા જે 2022માં વધીને 1,51,912 પર પહોંચી ગયા હતા. રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી મે સુધીમાં 60,585 નવા ટીબી કેસ નોંધાયા છે, કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પ્રદાન કરવામાં આવેલ ડેટા જાહેર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સ્તરે સરખામણી કરવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધીમાં નોંધાયેલા 60,585 નવા કેસ સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે છે. સરકારી આંકડાઓ દ્વારા જાહેર કરાયેલા નવા ટીબીના કેસો ધરાવતા રાજ્યોમાં યુપી, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ પોર્ટલના આંકડાઓને ટાંકીને સરકારે જણાવ્યું હતું કે ગુજરાતમાં નવા કેસોમાં 5% 15 વર્ષથી ઓછી વયના છે, 57% 15-44 વય જૂથમાં છે, 28% 45-64 વય જૂથ વચ્ચે જયારે 65 વર્ષ અને તેથી વધુ જૂથમાં 10% લોકો ટીબીનો શિકાર થઇ રહ્યા છે.
રાજ્યસભાના સાંસદ નીરજ શેખરના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકાર દ્વારા આ ડેટા આપવામાં આવ્યો હતો, જેમણે દેશમાં ક્ષય રોગની સ્થિતિ વિશે માહિતી માંગી હતી.